પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
336
ગુજરાતનો જય
 

દિવસ આકર્ષણ વધતું રહ્યું. એ મોહે મૈત્રીનું સ્વરૂપ મેળવ્યું. મોજુદ્દીનના મન પર વસ્તુપાલે જે છાપ પાડી તે પોતાના વ્યક્તિત્વની નહીં પણ સમગ્ર ગુર્જર દેશના સંસ્કારની છાપ હતી.

"કંઈક માગો.” મોજુદ્દીને મોજ દર્શાવી.

"માગું છું બે વાતો.”

"માગો, ને જુઓ કે મુસ્લિમ રાજા દોસ્તીના દાવાને માન આપી જાણે છે.”

“એક તો માગું છું ગુર્જર દેશ સાથેની કાયમી માનભરી મૈત્રી.”

"મૈત્રી !" મોજુદીનનું મોં મરકવા લાગ્યું, “ભલા આદમી ! અમે તે શું આંહીં દોસ્તીઓ બાંધવા આવ્યા છીએ ! ઇસ્લામની તલવાર ધરીને અમે જે પ્રયોજને દુનિયાભરમાં ઘૂમ્યા છીએ તે જ પ્રયોજન હિંદમાં ઊતરવાનું છે. તારી ગુજરાતની દોસ્તી મારો કયો વારસદાર પાળવાનો છે !"

"ભવિષ્યની વાત તો હું કરતો નથી, નામવર !” વસ્તુપાલે હસીને જવાબ વાળ્યો: “ભાવિ તો દિલ્લીના ને ગુજરાતના બેઉના વારસદારોની સુબુદ્ધિદુર્બદ્ધિ પર છોડી દઈએ. અત્યારે તો મારી ને આપની જ નાનકડી જિંદગી પૂરતી વાત છે.”

“બીજું કાંઈ માગવા જેવું ન લાગ્યું તને” મોજુદ્દીનનું મોં હજુ પણ મરકતું રહ્યું, “તને ગુજરાતની શી પડી છે? તું તારું ને તારા કુટુંબનું કરને !"

એમ કહેતા આ પરદેશી રાજાનાં નેત્રોમાં અણમોલાં અને અસંખ્ય, ધીકતાં અને તરતાં દરિયાબારાંવાળી ગુજરાત રમતી હતી.

"મારું તો મેં ધરાઈને કરી લીધું છે. મારે ખાતર આંહીં સુધી આવવાની જરૂર ન પડત. એટલું જ બોલો નામવર, કે આપના જીવતા સુધીમાં ગુજરાત સાથે દોસ્તી નભાવશો.”

“તું બડો પાજી છે, દીવાન !” મોજુદ્દીને વસ્તુપાલની પીઠ થાબડી, “હું ખુદાની રહમ માગું છું કે તારા જેવો કોઈ બીજો ગુજરાતી મને ફરીવાર ન ભેટે !"

વસ્તુપાલે આવા ઉદ્દગાર સામે મૌન સેવ્યું. એને ખબર હતી કે પોતાની પરંપરા સાચવે તેવા એક પણ પુરુષને પોતે હજુ ગુજરાતમાં ઘડી શક્યો નથી, પોતાની જ મહત્તાનું મહાલય રચવામાં જીવનનાં શ્રેષ્ઠ વર્ષો જતાં રહ્યાં છે.

મોજુદ્દીને કહ્યું: “ખેર, મારી જિંદગી પૂરતો મારો કોલ આપું છું. અલ્લાહ મોટો છે. એ મને કોલ પાળવાની બુદ્ધિશક્તિ આપો”

"બસ, નામવર! મારી જિંદગીનું સાર્થક થયું.”

“એ તો ઠીક, પણ હવે તમે પોતાને માટે કાંઈક માગો.”

“એ પણ માગું છું – આપના તાબાની મમ્માણી ખાણમાંથી પાંચ આરસના