પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
ગુજરાતનો જય
 


“હા બાપુ, પ્રેમ તો પહાડોય તોડી નાખે છે. કુંઅરબાઈએ પણ ડુંગરા ને ડુંગરા ભેદી નાખ્યા છે. પણ બાપુ, રાજપૂતોના પ્રેમ સાંભળ્યા છે; બીજું, આયરો રબારીઓની પણ પ્રેમની વાતો ગવાય છે; હિંગતોળ વાણિયાનો પ્રેમ આ પહેલુકો જ સાંભળ્યો. એની નાતે તો તે વેળાએ મોટો હોળો સળગાવી મૂક્યો હતો, બાપુ ! તેદુથી બે તડાં પડી ગયાં છે. એક તડું વખાણે છે, ને બીજું તડું બેટી-વહેવાર બંધ કરીને બેઠું છે. એક પક્ષ કહે કે સતી છે, બીજો ગાળો કાઢે છે.”

"જેહુલ, તું જોજે તો ખરો, આગળ ઉપર એનાં ગાણાં ગવાશે.”

પછી બન્ને ચુપ રહ્યા. સાંઢણી ડુંગરાળ મારગ પર આવી ગઈ હતી, અને લવણપ્રસાદ છૂપું છૂપું હસતો હતો: “સાધુમહારાજેય ઠીક ચોગઠું ગોઠવી આપ્યું. સૂરિ શાણો તો ખરો ! પેટમાં રતન પાકશે એવું ભાખીને ભેટાડી દીધાં બેયને ! હાં પણ દીક્ષા કરતાં આ શું ભૂંડું? બાકી રતન તો કેવાંક પાક્યાં છે તે તો મેં હમણાં જ માર્ગે જોયું ! જાય છે ગગા પાટણ ભણવા. અરે રતન ! કાંઈ રતન ! જોને ગુજરાતમાં રતન ઊભરાણાં છે ! પાણો ગોતો ત્યાં રતન હાથ પડે !”