પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલંક ને ગૌરવ
25
 

ઉતારા પરથી પાટણને ચારે કોર નિરાંતવી નજરે નિહાળ્યું. મંદિરોની એ નગરીમાં મંદિરો માથા વગરના મહાવીરોનાં ધડ જેવાં ઊભાં હતાં. કરોડપતિઓની હવેલીઓ પર લાખ લાખ દ્રમ્મની સંપત્તિ દીઠ અક્કેક ઊડતી એવી સેંકડો ધજાઓ ફરકતી નથી, ચોરાસી ચૌટાં ગાજતાં નથી. મહાભટ અને ભટરાજોની સવારીઓ નીકળતી નથી. છત્રપતિ ડંકાપતિઓનાં નગારાં મૂંગાં મરી રહેલ છે. ઊભરાતાં ચાલ્યાં છે ફક્ત જૈન યતિઓનાં, મુલાયમ વચ્ચે લહેરાતાં, વિલાસી તેલો વડે મઘમઘતા વાંકડિયા શિર-કેશવાળાં ટોળાં ઉપર ટોળાં. તેમના શોખને ને ઠાઠમાઠને થોભ નથી. એક ઠેકાણેથી બીજે ઠેકાણે આ ટોળાં હોકારા-પડકારા કરતાં વાદાવાદને માટે ઘૂમી રહેલા છે. અને રાજગઢમાં પણ તેઓ ઔષધિઓની પેટીઓ ઉપડાવી મહારાજ ભીમદેવના વૃદ્ધ દેહને નવા વિલાસોની વાસનાશક્તિથી સજાવવા દાખલ થઈ રહેલ છે. લોકો તેમનાથી ડરીને-તરીને દૂર ચાલતા હોય છે. પાણી ભરીને આવતી નગર-નારીઓને આ યતિઓની દ્રષ્ટિઓના મંત્રપાશથી માથા પરથી બેડો પડી જાય તેવી બીક લાગે છે.

લવણપ્રસાદ મહારાજના તેડાની વાટ જોઈ બગાસાં ખાતો ખાતો બેઠો હતો તે વખતે રાજગઢમાં એક પરદેશી પોશાક પહેરેલું ટોળું દાખલ થયું. આગળ ચાલનાર પચાસેક વર્ષનો પુરુષ હતો. એના પાની ઢળકતા કાળા જામા ઉપર જરકશી ભરેલી હતી. એનો પોશાક પરદેશી હતો. એનો દેહ અલમસ્ત હતો. ગરદન ટૂંકી ને કાન લાંબા હતા. ચરબીના થરો ચડેલા હતા. દેહ ટમેટાના રંગનો હતો. રાજગઢનો દરેક માણસ એને ઝૂકી ઝૂકી પરદેશી ઢબની સલામો ભરતો હતો. એ સલામોની સામે આ પરદેશીની ફક્ત આંખો જ હલતી; એથી વધુ સામો વિનય એ કરતો નહોતો.

એની પાછળ હારબંધ ગુલામોની ટુકડી હતી. ગુલામોના શિર પર હાથીદાંતની, સુખડની, સીસમની, એવી તરેહવાર નક્શી કરેલી અક્કેક પેટી હતી. પેટીઓમાંથી જૂજવી-જૂજવી માદક સોડમે આખા રાજગઢને મઘમઘાવી દીધો.

સૌની પાછળ એક બંધ પરદાવાળી પાલખી આવતી હતી. પાલખીની કનાતો પર જરિયાનની અપરૂપ શોભા હતી.

"પધારો પધારો, સદીક શેઠ !" એમ કહેતા એક પુરુષે ઉપરથી ઊતરી ઝૂકી ઝૂકી અદબ કરી, “મહારાજ આપની જ રાહ જોતા બેઠા છે.”

પાટણના એ ખુદ દંડનાયકને આ ખુશામત કરતો દેખી લવણપ્રસાદ વધુ ચિડાયો.

"મહેરબાની મહારાજની," એમ કહીને એ પરદેશી અતિથિએ પોતાને લેવા ઊતરેલા આ રાજપુરુષ પ્રત્યે પાછળ આવતા મ્યાના તરફ આંખ ફેરવીને ઈશારતથી