પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
26
ગુજરાતનો જય
 

કાંઈક સૂચના માગી. તેનો સામો જવાબ પણ મૂંગી ઇશારત વડે જ મળ્યો. મ્યાનો એક બીજા માર્ગે થઈને રાજગઢના અંદરના ભાગમાં લઈ જવામાં આવ્યો અને વિદેશી પરોણાને એની પેટીઓના સરંજામ સહિત સીધી સીડીએથી ઉપર લઈ જવામાં આવ્યો.

જતાં જતાં એ સદીક નામે સંબોધાયેલ વિદેશીની ને નીચે બેઠેલા રાણા લવણપ્રસાદની ચાર આંખોનું મિલન થયું: સદીકની આંખોમાં સંશય અને તુચ્છકાર હતા, લવણપ્રસાદની આંખોમાં દેવતા હતો.

સદીકે ઉપર ચડતે પૂછ્યું: “એ કોણ ?”

પાટણના દંડનાયકે કહ્યું: “કાંટો.”

“પરવા નહીં. ચીપિયા ઘણા છે. નામ શું?”

"રાણા લવણપ્રસાદ.”

"મુસ્લિમ કિલ્લેદારોને તોબાહ પોકરાવનાર એ ખુદ-બ-ખુદ?”

“હા, શેઠ.”

“હં.” એ ઉચ્ચાર ભેળા સદીકના બઠિયા કાન જરાક હલી ગયા.

એકાદ ઘટિકા વીત્યા બાદ એ પરોણો પાછો ઊતર્યો. લવણપ્રસાદને એણે હજુયે બેઠેલ દીઠો. એના મોં પર સખતાઈનાં ગૂંચળાં વળતાં હતાં.

જરાક આગળ નીકળી જઈને પછી સદીક શેઠ પાછો ફર્યો. એણે પાણી પાણી કરી નાખે એવા એક મધુર કાતિલ સ્મિત સાથે લવણપ્રસાદને કહ્યું: “આદાબ ! જનાબ, આદાબ ! મને લાગ્યું કે આપ કંઈક બીમાર છો. પેટમાં કાંઈ આંટી વળતી દેખાય છે."

લવણપ્રસાદ કાંઈ બોલે તે પહેલાં જ સદીકે કહી નાખ્યું: “પેટની આંટી પર અકસીર કામ કરે તેવી અજમાની દવા છે મારી પાસે. જનાબ ફરમાવે તો બંદો હકીમી કરવા હાજર છે. જુદાઈ ન જાણજો, બંદેનવાઝ!”

એમ બોલતો-બોલતો બેઉ હાથ ઝુકાવીને સલામો ભરતો એ આરબ પરોણો નીચે ઊતરી ચાલ્યો ગયો. છેક દેવડી સુધી જઈને એણે પાછળ એક નજર નાખી જોઈ. લવણપ્રસાદ તો સડક બનીને જ બેઠો હતો.

આખો દિવસ મહારાજ ભીમદેવે 'હમણાં બોલાવું છું, હમણાં તેડાવું છું' કહાવી વિતાવી દીધો. સાંજે ઘણીવાર બહાર બેસી રહ્યા પછી લવણપ્રસાદની વરધીને તેડું આવ્યું.

હીંડોળે હીંચકતા મહારાજાને લવણપ્રસાદ બે વર્ષે પહેલી વાર જોવા જતો હતો. સંવત 1250માં અણહિલવાડ ગરજન(ગિજની)ના શાહબુદ્દીન ઘોરીની સમશેર