પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
30
ગુજરાતનો જય
 

ભવિતવ્યતા બોલે છે. હોનહાર બહુ બૂરી ભાસે છે.”

"જો ભાઈ, લવણપ્રસાદ!” ભીમદેવ પોતાના રત્ન-હીરાના શણગાર પર વૃદ્ધ હાથ ફેરવતા ફેરવતા બોલ્યા: “તારે હજુ ઝાઝું જીવવું છે, ને હું હવે થોડીક વસંતનો મહેમાન છું. મને હવે ધરાઈને મોજ કરી લેવા દે. તને હું મારો સર્વાધિકારી નીમું છું. તારે ઠીક પડે તેમ પાટણને સાચવ અને નહીં તો મૂક પાટણને તડકે. તું તારે તારું ધોળકું જમાવ. બાકી હા, આ દિલ્હીના સુરત્રાણને ભલો થઈને છેડતો ના ને સ્તંભતીર્થના સદીકની ઇતરાજી વહોરતો ના. આ તૂટેલાં દેરાંને હમણાં દુરસ્ત કરવાની કાંઈ જરૂર નથી.”

"પણ સૈન્ય જેવી કોઈ ચીજ રહી નહીં તેનું શું, મહારાજ? આપે તો મેરોને ને નાગોરના ભીલોને રજા દઈ દીધી.”

“બાપુ, હમણાં સૈન્યનો ઠઠારો કરવા જેવું નથી. યવન હજી માંડ પાછો ગયો છે ત્યાં વળી પાછું એને તેડું શીદ કરવું?”

એટલું બોલતાં ભીમદેવને હાંફ ચડી ગઈ, એણે વંઠકને બૂમ પાડી, “અલ્યા, પેલો આસવ કટોરી ભરીને લાવજે તો – પેલો, સદીક શેઠ દઈ ગયા તે ગુલાબી આસવ.”

“લેને, લવણપ્રસાદ ! તું પણ થોડોક લેતો જાને ! તારે કાંઈ દોડાદોડ ઓછી છે? મેં કરી લીધી. હવે તું કર. પણ થાકી જઈશ, લેતો રહેને આ અંજલિ અંજલિ –” એમ કહેતે કહેતે મહારાજની આંખ ફાંગી થઈ. એણે ફરી વાર પાછા પૂછ્યું: “ત્યાં ધોળકામાં તારો પરિવાર તો મજા કરે છેને ? આમ સુકાઈ કેમ ગયો છે, હેં?”

“પરિવાર નથી.”

“ત્યારે શું એકલો છે?”

“મેં આપને એક વાર ન કહ્યું કે મદન તો મરી ગઈ!”

“હા, હા, પણ દુનિયાની બીજી બધી જ બૈરીઓ કંઈ થોડી મરી ગઈ છે, ગાંડા !”

રાણો કઠોર મુખ કરીને ચૂપ બેસી રહ્યો.

"વીરધવલ કેવડોક છે?”

"દસેક વરસનો.”

“એ ઠીક છે. હમણાં એને ગુપ્ત જ રાખજે, કારણ કે અત્યારે કોઈનું કાંઈ કહેવાય છે, બાપા ! સુરત્રાણનાં ઘોડાં ફરી પાછાં ઊતરે તો ના પડાય છે? પણ. આમ જો. મારા પછી તું – ને તારા પછી વીરધવલ. પાટણના ગાદીવારસ તમે બેઉ છો, હો ! હું આજે જ આદેશ કઢાવું છું.”