પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


7
રાજેશ્વરી ઈચ્છા

છ મહિના થઈ ગયા છે. પાઠશાળાના છાત્રાલયમાં એક હાડપિંજર છેલ્લા શ્વાસ ખેંચતું સૂતું છે. એનું માથું ગુરુ કુમારદેવના ખોળામાં છે. એ દેહ લુણિગનો છે. છોકરાઓ ટોળે વળીને એની આસપાસ ઊભેલા છે.

મરતો મરતો લુણિગ પોતાના દોરડી જેવા બનેલા દૂબળા હાથ પોતાની પાસે બેઠેલા બેઉ નાનેરા ભાઈઓનાં તેજના ઝગારા મારતાં ભરાવદાર શરીરો પર ફેરવી રહ્યો છે. છ જ મહિનાના આશ્રમવાસે એ બેઉના દેહનો, ઘરના છાશ-રોટલા પર ઊછરેલા દેહનો સુકલકડી બાંધો ફેરવી નાખ્યો છે, પણ તેમાં હૃદયો છૂપું રુદન કરે છે.

"ભાઈ” તેજિગે પૂછ્યું, “તમારી કાંઈ ઇચ્છા છે?”

"ઇચ્છા !” લુણિગનું ક્ષયગ્રસ્ત લાલચોળ મોં મલકાય છેઃ “ઇચ્છા - આપણને વળી ઇચ્છા શી હોય?” એની એ ટકોર પોતાની કૌટુંબિક ગરીબી પ્રતિ હતી.

પણ એ વારંવાર પોતાની બારીમાંથી બહાર દૂર દૂર ઝાંખા વાદળપુંજ-શા આબુ પહાડ તરફ ખેંચાતો હતો.

"કહી નાખો, ભાઈ !” તેજિગ રડતે કંઠે પૂછતો હતો.

"ગાંડા !" લુણિગે કહ્યું, “તમે બેઉ વરો-પરણો, બાની ચાકરી કરો, બહેનોને ઠેકાણે પાડો. લે, આટલી બધી ઈચ્છા તો દર્શાવું છું.”

કહેતે કહેતે ફરી ફરી એ આબુ તરફ મીટ ખેંચતો હતો ને મોં મલકાવતો હતો. દરમ્યાન એનું દેહપિંજર મૃત્યુ સાથે છેલ્લી જિકર કરી રહ્યું હતું.

“ભાઈ, મોટાભાઈ” વસ્તિગ મહામહેનતે રુદન ખાળતો કહેતો હતો, “બા અમને પૂછશે...” એનો કંઠ-દોર ત્રુટી ગયો.

“બા પૂછે તો કહેજોને કે તમારો લુણિગ. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે, પોપટ સરવરની પાળે, પોપટ બેઠો બેઠો ટૌકા કરે છે...”

ફરી ફરી એણે આબુને નેત્રોના સંપુટમાં લીધીઃ “બા પૂછશે કે તમે ત્રણ