પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.13
પ્રજાનો પહેલો હુકળાટ

“ને જાણો છો, પ્રજાજનો?” તેજપાલે ઓટા ઉપર ઊભા થઈ જઈને, એ બહોળા ને ઘાટા બનતા જતા ટોળાને કહ્યું: "જેતલબા સુવાવડમાં સૂતાં છે. એનેય કશી ખબર નથી.”

"ચાલો એને પૂછીએ.” લોકો બોલ્યા.

“ચાલો, એકેએક પોળમાં થઈને ચાલો. સૌને જાણ કરતા કરતા ચાલો.”

"ચાલો રાજગઢ પર. મામાને પકડો."

"મામો ભાગી જશે, જલદી દોડો.”

એ શબ્દો અસ્પષ્ટ બન્યા. કિકિયારી પડી. વણકર-ઓળ, ઘાંચી-ઓળ, ચૂડી-ઓળ, એકેએક ગલી અને પા, ચોક અને ચૌટું, નદીઓનાં પૂર પેઠે તેજપાલની પાછળ મહાનદનો સાગર-ઘુઘવાટ કરતું ચાલ્યું. અને 'મામો ! મામો ! મામો !' એ શબ્દ તિરસ્કાર તેમ જ દાઝ ઠાલવવાનો શબ્દ બન્યો.

આવે વખતે કેટલીક શક્તિઓ આપોઆપ વગરસોંપ્યું કામ કરે છે. મામાં પરની દાઝ એકેએક કલેજામાં હતી. પાંચ વર્ષથી મામાએ ચલાવેલી રાજવ્યવસ્થા વસ્તીના લોહીથી ભીની હતી. ઘોડાં અને સાંઢિયા છૂટ્યાં, ગામોગામ ખબર દેવા “પહોંચો ઝટ રાજગઢ, મામા કંસને ઝાલો. આપણું ખાઈ ગયો છે તે બધું જ પાછું ઓકાવો.”

“મામો: મારો પીટ્યો મામો કંસ !” બૈરાં પણ પોતાની પ્રિય ગાળોની દેગ ચડાવતાં, છોકરાં તેડીને બહાર નીકળ્યાં. રાજગઢ તરફ રંગેરંગના સાધુઓનું પૂર બંધાયું.

"ભાઈઓ ને બહેનો !” એક પછી એક ઓટે ચડીને તેજપાલ હાકલ કરતો જાય છે. “ખબરદાર, રાણાજી પાટણ છે ને જેતલબા સુવાવડાં છે. એ બાપડાંને કશી જ ગતાગમ નથી, તમે એક પણ બોલ એમના વિરુદ્ધ બોલતાં નહીં. આપણે તો જોઈએ છે મામાનો ન્યાય."

રાજગઢ આવ્યો. અંદર ઊભેલા પરોળિયાએ જનપ્રવાહ જોયો. ઝીંક ન ઝલાઈ.