લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫

રૂપકો

મહોરમાં અનુક્રમે પાંચ અને બે મહોર ઉમેરી, પોતે કરેલો નફો બતાવ્યો.

તે જોઈ શેઠ રાજી થયો, અને તેમને કહ્યું કે, 'આ નાનકડી રકમમાં તમે પ્રામાણિકતા અને હોશિયારી બતાવી છે, માટે હું તમને મારા ભાગીદાર બનાવું છે.'

પછી ત્રીજાનો વારો આવ્યો, ત્યારે તે બોલ્યો, 'શેઠ, હું જાણું છું કે તમે બહુ કડક માણસ છો, અને જ્યાં વાવ્યું ન હોય ત્યાંથી લણો છો, અને જ્યાં પાથર્યું ન હોય ત્યાંથી સંકેલો છો. આથી મને ડર લાગ્યો અને મેં તમારી મહોરને દાટી રાખી. તે આ હાજર કરું છું.'

ત્યારે શેઠે કહ્યું, 'અરે દુષ્ટ અને આળસુ માણસ ! તું જાણે છે કે, હું વાવ્યું ન હોય ત્યાંથીયે લણું છું, અને પાથર્યું ન હોય ત્યાંયે સંકેલું છું. માટે તો તારે મારી મહોર વ્યાજે તો મૂકવી હતી, જેથી મને તેનું વ્યાજ તો મળત !'

માટે એ મહોર પહેલા માણસને આપી દે, જેથી એની પાસે અગિયાર થાય. કારણ, જે ભરે છે તેમાં જ હું ઉમેરું છું, અને જે ખાલી કરે છે તેમાંથી જે હોય છે તેયે કાઢી લઉં છું. (જે સદગુણ ધરાવે તેના સદ્ગુણો વધતા જ જાય. જે તે ઓછા કરે, તેના હોય તેયે ચાલ્યા જાય.)

એમ કહી, એ નોકરને તેણે દંડ કરી બરતરફ કર્યો.

૧૧. ભલો સૅમૅરિયન

એક વિદ્વાને ઈશુને પૂછ્યું, 'ગુરુ, અનંત જીવનના અધિકારી થવા મારે શું કરવું?'