રૂપકો
એક માણસને ત્યાં મોડી રાત્રે એક મહેમાન આવી પહોંચ્યો. તે વખતે એના ઘરમાં ખાવાનું રહ્યું નહોતું. આથી તે પોતાના એક મિત્રને ત્યાં ગયો, અને બારણું ખખડાવી બોલ્યો, 'મિત્ર, મારે ત્યાં એક મહેમાન આવ્યો છે. તેને ખવડાવવા માટે તારે ત્યાંથી ત્રન રોટી આપ તો!'
પણ પેલો મિત્ર પથારીમાં પડ્યો પડ્યો જ બોલ્યો, 'મધરાતે મને હેરાન ન કર. મેં મારા બારણા પર આગળો દઈ દીધો છે, મારાં બાળકો મને વળગીને પડ્યાં છે. હું હવે ઊઠી શકતો નથી.'
પણ પેલાએ એમ એને છોડ્યો નહિ. એણે એને આગ્રહપૂર્વક કહ્યું કે, 'તારે બારણાં ઉઘાડી મને મહેમાન માટે રોટી આપ્યા વિના નહિ ચાલે. તું ઊઠે નહિ ત્યાં સુધી હું તને જંપવા દઈ શકું નહિ.'
આથી છેવટે એના મિત્રને ઊઠવું જ પડ્યું, અને બારણું ઉઘાડી રોટી આપવી પડી.
આ જ રીતે આગ્રહપૂર્વક ઈશ્વરનાં બારણાં ઠોકો, તો તે ઊઘાડ્યા વિના રહેશે નહિ.
એક માણસને બે દીકરા હતા. તે પૈકી નાનાએ એક દિવસ બાપને કહ્યું, 'મને મારો ભાગ આપી દો. મારે જુદા પડવું છે.'
ત્યારે બાપે તે મુજબ કર્યું. પછી તે નાનો દીકરો પોતાની બધી મિલકતનાં નાણાં કરી પરદેશ ચાલ્યો ગયો. અને ત્યાં તેણે ઉડાઉપણે વર્તી બધું ખોઈ નાંખ્યું.