પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫

ઈશુનો જન્મ અને સાધના

બેથલેહેમમાં પેદાથયો છે.' તે ઉપરથી વહેમાઈ હૅરોદે તે ગામનાં બે વર્ષની અંદરનાં સર્વે બાળકોને મારી નખાવ્યાં.પણ આ હુકમનો અમલ થતાં પહેલાં યોસેફને તેની ખબર પડી ગઈ, અને તે મા તથા બાળકને લઈ નેઝરેથ નાસી ગયો.


बाळपण

આ પછીનાં બાર વર્ષની ઈશુ વિષે કાંઈ માહિતી મળતી નથી. બારેક વર્ષની ઉમ્મરે તે પોતાનાં માબાપ અને નાનાં ભાંડુઓ સાથે પેસાહ (ઉદ્ધાર)પર્વ પર યરુશાલેમ ગયો હતો. પૂજાવિધિ આટોપીને યોસેફ અને મારિયા છોકરાંઓ અને ગામના લોકો સાથે પાછાં ફર્યાં. આગળ જતાં માલૂમ પડ્યું કે ઈશુ તેમની જોડે નથી. સંઘના બીજા માણસો સાથે હશે એમ માની એક આખો દિવસ તેમણે તેની ચિંતા કરી નહિ. પણ સાંજ પડતાં સુધીમાંયે તે ક્યાંય જણાયો નહિ, ત્યારે તેઓ યરુશાલેમ પાછાં આવ્યાં અને મંદિરમાં તપાસ કરવા લાગ્યાં. ત્યાં એમણે ઈશુને મંદિરમાં બેસી શાસ્ત્રીઓ સાથે ધર્મચર્ચા કરતો અને કઠણ પ્રશ્નોત્તર્ કરી સર્વેને આશ્ચર્ય પમાડતો જોયો. પણ તેમને તે બહુ ગમ્યું જણાતું નથી. ઈશુને પાછળ પડી રહેવા અને બધાંનો સાથ ગુમાવવા માટે મારિયાએ ઠપકો આપ્યો. ઈશુ એમની સાથે પાછો ઘેર ગયો.

ઈશુનો અને તેના કુટુંબીઓનો માર્ગ નાનપણથી જ જુદો પડતો હોય એમ જણાતું હતું. સગાંવહાલાં અને ગામના લોકોને ઈશુ કાંઈક વિચિત્ર અને અવહેવારુ લાગતો હોય એમ સંભવ છે.