પૃષ્ઠ:Ishu Khrist.djvu/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮

ઈશુ ખ્રિસ્ત

અને ઐહિક રાજ્યની જ લાલસા તીવ્રપણે હતી; કોઈ એની પાસેથી આત્મશુદ્ધિનું ઓસડ લેવા ઇચ્છતું નહોતું - ધર્મરાજયની પ્રજા થવા ચાહતું નહોતું. પોતાની ગરીબી ધોવા અને રોગો નસાડવા લોકો આતુર હતા, પણ પોતાનાં પાપો ધોવા અને વિકાર નસાડવા કોઈ પરવા રાખતું નહોતું. ઈશુને આથી બહુ ખેદ થતો. એને યહૂદીઓનું ભવિષ્ય બહુ ઝાંખું લાગતું હતું. એ ફૅરિસી અને શાસ્ત્રીઓ ઉપર લોકોને જડ અને અંધશ્રદ્ધાળુ બનાવી મૂકવાનો આરોપ મૂકતો. ફૅરિસી અને શાસ્ત્રીઓ પરના એના પ્રહારો બહુ કડવી વાણીમાંથી નીકળતા હોય એમ જણાય છે. એ કડવાશની પાછળ હૃદયની જે બળતરા અને દયાનો ઝરો વહેતો હતો, એની કોઈ કદર કરી શકતું નહિ.અધિકારીઓને એની પ્રવૃત્તિમાં રાજ્યદ્રોહ, ધર્મદ્રોહ, નાસ્તિકતા, નફટાઈ અને આપવડાઈ દેખાતાં; અને બીજા કેટલાક વળી એને ભાવનાઘેલો ગણતા. એની ભાષા રાજકારણી પુરુષોને અનુસરતી હોય એમ લાગે છે. પણ આવી ભાષા આવવાનું કારણ યહૂદીઓની પૂર્વમાન્યતા જ હોવાનો સંભવ છે. યહૂદી નવજવાનો સ્વરાજ માટે ઇન્તેજાર હતા અને ઈશુ ધર્મરાજ્યનો સંદેશ આપતો હતો; નવયુવકો યહૂદીઓના દંડાધારી રાજાના અવતારની વાટ જોતા હતા, ઈશુ એમને ધર્મરાજાના અવતારના આગમનની વાતો કહેતો હતો. આને લીધે એની ભાષા રાજકારણને મળતી આવતી.


उपदेश-पद्धति

એની બોલવાની પદ્ધતિ દૃષ્ટાન્તો અને કહાણીઓ આપી ઉપદેશ આપવાની હતી. કહાણીઓ દ્વારા ઊંચામાં ઊંચા આદર્શો અને સિદ્ધાન્તો એ સરળતાથી સમજાવી શકતો. એનાં કેટલાંક દૃષ્ટાંતો આગળ ઉપર આપવામાં આવશે.