પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭

ક્રૂસારોહણ

येहूदानुं प्रायश्चित

દરમ્યાન પેલા યહૂદાને એકાએક પશ્ચાતાપ ઉદ્ભવ્યો. કેવળ નિર્દોષ જ નહિ, પણ પોતાની ઉપર જેના અનેક ઉપકારો થયેલા, જેની જોડે એ એક ભાણામાં બેસીને જમેલો, જેણે એને અનેકવાર છાતી સાથે ચાંપેલો, તે પોતાના કૃપાળુ ગુરુને પશુ જેવા માણસોના હાથમાં સોંપી દીધો, એ વિચારે એના હૃદયને કોતરી નાખ્યું. એ સભાસદો પાસે ગયો અને પોતાનું ઇનામ પાછું આપવા માંડ્યું. એ ઇશુને માટે કરગરવા લાગ્યો. પણ સભાસદો કહેવા લાગ્યા, 'હવે અમને શું? તારું પાપ તું જાણે!' યેહૂદાને એટલો શોક થયો કે એણે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

પૂજારીઓએ લાંચના પૈસા પાછા લીધા, પણ પાપના પૈસા પાછા ખજાનામાં નાંખતા અચકાયા. એ પૈસામાંથી એક ખેતર વેચાતુ લેવામાં આવ્યું ને તેને પરદેશીઓના શબ દાટવા મહાજનને સોંપ્યું. પાપના પૈસામાંથી લીધેલું એ ખેતર 'પાપક્ષેત્ર'ને નામે પ્રસિદ્ધ થયું.

सूबा पासे तपास

સુબા પાસે ઇશુની તપાસ ચાલી. મહાપૂજારી અને પૂજારીઓએ ઈશુની વિરુદ્ધ જુબાનીઓ આપી. ઈશુએ બચાવમાં એક શબ્દ પણ કહ્યો નહિ. સૂબાએ તેને પૂછ્યું, 'તું પોતાને યહૂદીઓનો રાજા કહેવડાવે છે એ વાત ખરી કે?'

ઈશુ બોલ્યો, ' આ તારો આરોપ છે કે તું બીજાના કહેવાથી મૂકે છે?'

સૂબાએ કહ્યું, ' હું થોડો જ જાણું છું ! તારી જાતવાળા જ આમ બોલે છે, અને તને મારી પાસે લાવ્યા છે.'