પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮

ઈશુ ખ્રિસ્ત

આ ઉપરથી ઈશુએ તેને સમજાવ્યું, "હું જે રાજ્ય વિષે બોલું છું તે પૃથ્વીનું ભૌતિક રાજ્ય નહિ, પણ પ્રભુનું આધ્યાત્મિક રાજ્ય છે. હું સત્યનો સાથી છું, સત્યને માટે મારો જન્મ છે અને સત્ય ધર્મનો હું રાજા છું."

આ સાંભળી સૂબો યહૂદીઓ ભણી વળ્યો. એને ઈશુ કેવળ નિર્દોષ માલૂમ પડ્યો, અને તે છતાં એણે કાંઈ ધર્મભંગ કર્યો હોય તો પેસાહ પર્વને ટાંકણે એક યહૂદીની શિક્ષા માફ કરવાના રિવાજ મુજબ એ ઈશુને છોડી દેવા ઇચ્છતો હતો. પણ યહૂદીઓ પોકારી ઊઠ્યા, 'એને નહિ, એને નહિ. બારાબાસને છોડો.' આ બારાબાસ એક લૂંટારો હતો.

हेरोद पासे

સૂબો નાઇલાજ થયો. એણે આ ખટપટમાંથી છૂટવા બીજી યુક્તિ રચી. એને ખબર પડી કે ઈશુ ગૅલિલીનો વતની છે. ગૅલિલીના લોકો ઉપર હેરોદનો અધિકાર હોવાથી એણે ઈશુને એની પાસે મોકલવા ઠરાવ્યું. હેરોદે આ વખતે યરુશાલેમ જ હતો.

હેરોદે ઈશુ વિષે બહુ સાંભળ્યું હતું. એણે ઈશુને ચમત્કાર કરી બતાવવા કહ્યું, પણ ઈશુએ તેની ઇચ્છા પાર પાડી નહિ. એને પોતાની પત્નીએના આગ્રહથી યોહાનનો શિરચ્છેદ કરાવ્યો હતો, પણ ઈશુએ એનો કશો અપરાધ કર્યો નહોતો. એટલે એણે ઇશુની ઠેકડી કરવાના ઇરાદાથી એના શરીર પર એક જૂનો શાહી પોષાક નાખી એને સૂબા પાસે પાછો બાંધી મોકલી દીધો.