પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦

ઈશુ ખ્રિસ્ત

સામે પણ દુષ્ટતા ન કરશો. પણ જે તમારા જમણા ગાલ પર તમાચો મારે એને તમે ડાબો પણ અર્પણ કરજો. અને જો કોઈ તમારી જોડે કજિયો કરવા આવે અને તમારું પેરણ લેવા માગે તો તમે એને તમારો અંગરખો પણ આપી દેજો.*

મિત્ર પર પ્રેમ કરવો અને શત્રુનો દ્વેષ કરવો એ લૌકિક નીતિ છે; પણ મારી સલાહ છે કે તમે તમારા શત્રુ પર પણ પ્રેમ કરજો અને કદી કોઈનો દ્વેષ તો કરશો જ નહિ. જે તમને શાપ દે તેનું હિત ઇચ્છજો; જે તમને હેરાન કરે તેના ઉપર ઉપકાર કરજો. એ જ પ્રભુને પામવાનો માર્ગ છે. જેમ પરમેશ્વર સજ્જન અને દુર્જનને સૂર્યનો પ્રકાશ સરખો આપે છે અને ન્યાયી અને અન્યાયી પર સરખી રીતે વરસાદ વરસાવે છે, તેમ, સંતો, તમારી સદ્‌વૃત્તિ સર્વે પર સમપણે રાખજો. જે તમને ચાહે તેને તમે ચાહો તેમાં વિશેષ શું?

સ્વાર્થી મનુષ્યો પણ એમ કરે છે, ઉપકારનો જ બદલો વાળવામાં વિશેષ શું? જંગલી લોકો પણ એટલું કરે છે. શિષ્યો, પાછું દેનારને દેવું એ દાન નથી; એ તો પાપી પણ કરે છે. પણ જેની પાસેથી કશું મેળવવાની આશા ન હોય એને જ આપો. અને, શિષ્યો, તમે ઉદારતાથી તમારો અપરાધ કરનારાઓને ક્ષમા આપો, કારણ કે તો જ તમે એ પ્રભુની


  • સરખાવો: વેરથી વેરનો નાશ થતો નથી, પણ નિર્વેરપણાથી જ વેરનો નાશ થાય છે આ સનાતન ધર્મ છે. - બુદ્ધ

દુષ્ટમતિવાળા પુરુષો પોતાને ગાળો દે અથવા મારે તોપણ તેને ક્ષમા જ કરવી, અને મનમાં પણ તેનું રૂડું જ વિચારવું. - સહજાનંદ સ્વામી