પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હસે છે. દયાળજીનાં નાણાં તો કાલે જ કોઈ બીજો વેશ પહેરીને પરભારાં છેક અંદર પેસી જશે.

પણ કેટલા દિવસ ? દયાળજી બાપડો વાણિયો ખરો ને, એટલે પોતે કરેલી પેલી વીરતાભરી સ્ત્રી-હત્યા માટે અદાલતમાંય મૂછોના વળ ચડાવતો રહ્યો. નીચલી અદાલતે દસ વર્ષની સજા કરી તેથી સંતોષ ન લેતાં ગયો મુંબઈની હાઈકૉર્ટમાં. જડજ પૂછે છે કે તેં ખૂન કર્યું છે ? દયાળજી કહે છે કે હા હા, કર્યું જ છે ! જજ ફરી પૂછે છે કે તારા જેવા ખૂનીને ફાંસી કેમ ન આપવી જોઈએ ? તો કહે છે કે તમને ઠીક પડે તેમ કરો. એ બહાદુરીના બદલામાં દયાળજી દેહાંત-દંડ લઈને એક સંધ્યાએ અમારે દરવાજે આવી પહોંચ્યો. પણ હજુ જાણે કે એને પૂરી કલ્પના નહોતી આવી.

દયાળજીના ઘાટીલા જુવાન શરીર પર કડીબેડી જડાયાં તોયે એને ગળે ન જ ઊતર્યું કે આ દેહ જેવો દેહ દસ-પંદર દા’ડામાં પડવાનો છે. પણ ફાંસી-તુરંગની કોટડીમાંથી ફાંસીખાનામાં પહોંચવાનો પેલો પંદર જ કદમનો પુષ્પશણગાર્યો અનંત પંથ જ્યારે એણે દીઠો, ત્યારે પછી એની વીરતા ગળી ગઈ.

અરે, તે દિવસે એ પોતાના ભાઈની ને માની મુલાકાતે આવ્યો ને જે રીતે એ વર્ત્યો તેથી તો મને બેશરમ બુઢીને પણ ભોંઠામણ આવ્યું. ભેંકડો તાણીને રોવા લાગ્યો. એના ભાઈની સાથે લડી પડ્યો. એની મા પ્રત્યે પણ સમતા ન સાચવી. મુકાદમ સાથે પણ લડ્યો. બીડી-સિગારેટ ને દૂધપેંડાની લોલુપતા એને લાગી. ધમાચકડી બોલાવી એણે. અને ફાંસીને પ્રભાતે –

હાય હાય ! ગળામાં રસી પણ નખાઈ ગયા પછી – એક નાની ક્ષણનુંય ધૈર્ય હારી જઈ – અરેરે, પાટિયા પર ઢગલો થઈને બેસી ગયો ! પણ બેસી જનારાના ખોળિયાને કંઈ એ અમારા સુબેદારસાહેબે ચકાસેલી પાકી રસી થોડું છોડી દે છે ? હૅન્ડલનો એક જ આંચકો અને દયાળજી પણ લટકી પડ્યો. તફાવત ફક્ત એટલો જ કે અનવર પઠાણનો રૂહ એ લટકતા પિંજરમાંથી છૂટીને ગગનમાર્ગે ચાલી નીકળ્યો, ત્યારે દયાળજી વાણિયાનો જીવાત્મા તો એ કલેવરની સાથોસાથ જ ટટળી રહ્યો.


90
જેલ ઓફિસની બારી