પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




મૃત્યુની અદબ

મને લાગી આવતું હશે કે આ ડાકણને તો મૃત્યુની પણ અદબ નથી. નિરાધાર મરનારની ઠેકડી કરનાર આ જેલ-ઑફિસની બારી તમને જમ કરતાં પણ અધિક ઘાતકી લાગતી હશે. પણ મને મારી એવી હલકી, આબરૂ જ ગમે છે. હું જેવી છું તેવી મને તમે ઓળખી લો, તો-તો મારી છાતી પરનો ઘણો બોજો હળવો થઈ જાય. પણ તમે બધા એટલા બધા ભોળા છો કે પેલા હંમેશાં ફાંસી દેવાનો ધંધો કરનાર અમારા કસાઈ કેદી અભરામના ખભા પર એક પાળેલું બિલ્લીનું બચ્ચું રમે છે તે દેખી તમે એ અભરામના હૈયામાં વહાલપ સંઘરાયેલી કલ્પો છો ! બીજી તરફ અમારા જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ હરેક ફાંસી પતાવી લીધા પછી ઘેર જઈને નિરાંતે ભોજન કરે છે જેથી તમે એને રાક્ષસો કહીને છેડાઈ પડો છો.

ત્યારે તમે જ કહો ને, કે તે બાપડાઓએ શું કરવું જોઈએ ? તમારા અનેક લોકસેવાના વ્રતધારીઓ, દૂધપાકપૂરી જમતા-જમતા પ્રજા ઉપર ગુજરેલા કોઈ ગજબને સારુ નિશ્વાસો મેલતા જાય છે અને અરેરાટી ઉચ્ચારતા જાય છે, એ બેશક આદર્શ આચાર છે. ગરીબ દેશબાંધવોને, માટે હાહાકાર ઉચ્ચારતા-ઉચ્ચારતા મિષ્ટાન્ન આરોગવાથી એ મિષ્ટ ભોજન બેશક સ્વાદહીન બની જાય છે. એથી કરીને એનું પાતક નથી લાગતું. જુઓને, રાણા પ્રતાપના વંશજો સોનાના ભોજનથાળની નીચે પાંદડું મૂકીને અને બત્રીસાં પકવાનોની બાજુએ ચપટી ધૂળની ઢગલી કરીને જમતા, તે ડહાપણના તમે પૂજનારાઓ છો ને ? મને પણ એમ જ લાગે છે કે એ એક સરસ તોડ છે. રસનાનો રસ સંતોષાય ને સાથોસાથ ઊંચા સંસ્કારો પણ જાગતા રહે.


મૃત્યુની અદબ
91