પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આટલી-આટલી માનસિક આપવીતીઓ વેઠી લીધા પછી પોતાને પાછા જીવતા જગતમાં જવું પડે છે એ શું ફાંદાળા ભીલને ગમતું હશે ? મરવાનું કામ જો વહેલું કે મોડું પતાવવાનું જ છે તો આટલા ભેગું એટલું પણ ફેંસલ કરી નાખ્યું હોત !

– ને ફાંદાળા ભીલની વિચારસરણી તો ક્યાંની ક્યાં આગળ વધે છે:

“ટૂંકો અને મુકરર માર્ગ – સરલ અને શોભીતો માર્ગ – તો એ જ હતો: એ રસ્તે મારે કોઈને શોધતા જવાનું નહોતું. ઊલટા મને સહુ શોધતા આવતા હતા ! મારે કશી જ તૈયારી કરવાની નહોતી. ભેજું જરીકે વાપરવાનું નહોતું, સમજપૂર્વક ડગલાં પણ ભરવાનાં નહોતાં. પડ્યાં પડ્યાં બસ બેફિકર અમીરી જ માણવાની હતી. ઝીણામાં ઝીણો આખો જ કાર્યક્રમ બીજાઓએ ગોઠવવાનો હતો, તેઓએ જ પાર ઉતારવાનો હતો. મારા પગ ભાંગી પડીને ચાલવાની ના પાડત તો તે લોકો જખ મારીને મને ઉઠાવી લઈ જાત. હું પાટિયા પર ઢગલો થઈ પડત તોપણ તે લોકો મને સતાવત નહિ. મારે ગળામાં દોરડું ક્યાં ને કેવી રીતે પહેરતું તેની કડાકૂટ પણ કરવાની નહોતી. દોરડું તૂટી જઈ દગો દેશે એવી દહેશત પણ મારે રાખવાની નહોતી. મારી લાશ કોને સોંપવી કે મારા રામરામ કોને કહેવા તે જંજાળ પણ મારે ક્યાં કરવાની હતી ? મારી દહનક્રિયામાં ઈંધણાં કેટલાં જોશે તેય મને કોઈ પૂછનાર નહોતું.

“આવો મુકરર માર્ગ છોડીને હવે હું ક્યાં જઈશ ? હમણાં જ હું ભૂખ્યો થઈશ. અપીલ ન કરી હોત તો મારે ક્યારનુંય ભૂખતરસનું દુઃખ ટળી ગયું હોત ! ભૂખની આગ હું ક્યાં જઈ ઓલવી શકીશ ? ભીખ માગીશ તો કોણ દેશે ? હું ભિખારી જેવો તો દેખાઈશ જ નહિ ! હું વીસ વર્ષોથી ખેતરમાં મહેનત કરી ગુજરનારો ખેડુ, મારા મોં પર ભિક્ષુકની મુખમુદ્રા શી રીતે પહેરી શકીશ ? મને ભિક્ષાના સ્વરો કાઢતાં પણ ક્યાંથી આવડશે ? મને કોઈ પૂછશે ને હું જો કહીશ કે હું તો જેલમાંથી છૂટ્યો છું, ને મને તો ફાંસી મળવાની હતી – તો ?


શું સાચું!
101