પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારાં બંધ બારણાં સામે ડોશીએ હાથ જોડ્યા. જેલર સાંભળશે એમ સમજી એણે કહ્યું, “એ સા’બ, બોલ્યુંચાલ્યું માફ કરજો. તમે તો માવતર છો, બાપા !”

થોડીક વાર બુઢ્‌ઢી હાથ જોડીને મારી સામે ઊભી જ થઈ રહી. મારે એને બૂમ પાડીને કહેતું હતું કે ડોશી, હીરજીને ગમતી ચાનું વર્ણન કરને હજી !

પણ મારી જીભ ક્યાં ?

કાલ સવારે હીરજીનો આત્મા પણ પૂછશે, “મારી લાશ ક્યાં ?”

હીરજીને બે વાતનો આનંદ હતો. એક તો ડોશી સાઠ-પાંસઠ વરસની છે ને એનું તો હૈયું જ ભાંગી પડશે, એટલે એની આવરદા પૂરી થતાં થોડા દિવસ જ લાગશે. એ એક તો પત્યું. બીજી રહી એની વહુ. એ પડી છે માંદગીની પથારીએ. એ પણ ફાંસીની વાત સાંભળીને કાં ઊકલી જશે ને કાં થઈ જશે ગાંડી. ગાંડાંનેય એક વાતનું તો સુખ ને, કે પછી લાગણી જ ન રહે, સાનભાન ન રહે. પછી ભલે ને દુઃખ વરસ્યા જ કરતું ! ગાંડપણ, તો વરસતા વરસાદમાં પહેરેલા ‘રેઈનકોટ’ જેવું રક્ષાકારી સાધન છે.

માત્ર હીરજીને વિચાર થાય છે એની ત્રણ વરસની નમણી, નાચતી ગેલતી, નિર્દોષ વાલકીનો. એનું શું થશે ? એનો શો અપરાધ ? એને મૅજિસ્ટ્રેટસાહેબે શા માટે નિરાધાર થઈ જવાની સજા કરી ?

અરે હીરજીડા ! ઓ કાયર ! હું કહું છું કે તું આ વિચારે કાં ચડ્યો ? તું આજની રાત ભગવાનની ભક્તિમાં જીવ પરોવી લે ને ! સવારે તો તારે પછી ફક્ત બે જ મિનિટ વિતાવવી છે ને ? બાકી તો આ કામ કેટલું સહેલું ને સરલ છે ! તારે કશું જ સંભારવાનું નહિ રહે, હીરજી ! કાનટોપી પહેરાવી એટલી જ વાર.

કાનટોપી !કાળી કાનટોપીની કલ્પના આવી હીરજીને, હીરજીની જીભ ઉપર ભગવાનનું નામ ગોઠવાઈ ગયું. હીરજી ખિજાઈ ઊઠ્યો.

મને સજા તો ફક્ત ફાંસીની કરવામાં આવી છે. પણ આમ દિવસરાતની માનસિક યંત્રણાઓ મને શા માટે આપો છો ? તમે મારા


લાશ મિલ જાયેગા !
111