પૃષ્ઠ:Jail-Officeni.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બળધિયા ચારવા જાય છે, ટંટે ચડે છે, લાકડીઓ મારે છે, પછી આંહીં આવે છે, કેમ કે આંહીં રોટલી મળે છે. ઉપદેશક બુઢ્‌ઢાજી ! આપની પાસેથી એ લોકો આત્મ-સુધારણાનું કામ મુકાવી દઈ એની શાકભાજીની સુધારણાનું કામ લેવરાવવા માગે છે. શી વિવેકશૂન્યતા !

આ આવા ભાજીભાજાંના લોલુપોની પાસે આવવામાં આપની શી શોભા છે ? નર્યા દેહનું જ દુઃખ વિચારવા ટેવાયેલા આ પતિતો આપને સહુને પણ કાળા કોટપાટલૂનવાળા અથવા સોનેરી પાઘડી-દુપટ્ટાવાળા નર્યા દેહરૂપે જ ઓળખે છે. આપની વાચા કહે છે તે આત્મામાંથી નહિ પણ સવારના પહોરમાં ચાનાસ્તો ચડાવીને ગાડીમાં બેસી આવેલા આપના દેહમાંથી જ વહે છે, એવી ભ્રમણામાં પડીને, એ બધા ભૂખના માર્યા આપના ઉપર દાંત કચકચાવે છે. ‘મારો સાલાઓને ?’ એવી છૂપીછૂપી વાતો કરે છે. આપ હમણાં આપની ભગવદ્‌ગીતા લઈને પાછા ચાલ્યા જાઓ, હમણાં થોડો વખત આવશો નહિ. અમારા ઝંડાધારીઓ પાછા એ લોકોને ડંડાબેડી, ટાટ કપડાં, અંધારી ખોલી, વગેરે દવાની યાકુતીઓ આપીને દાળભાજીમાં બદબો સૂંઘવાની તેઓની બીમારીને ઠેકાણે ન લાવે ત્યાં સુધી આપ આવું આત્માનું અમૂલખ ઓષધ ઢોળવા અહીં આવશો નહિ.

ઊપડતે પગલે આપને સ્ટેશન તરફ ચાલી નીકળતાં હું જોઉં છું અને પાછી હરખા ઢેડાની વાત યાદ કરું છું. એની વહુ તો ચાલી ગઈ છે, પણ હરખાના મુખ પર કેટલી અલૌકિક ઝલક મૂકતી ગઈ છે ! ત્રણ મહિનાથી હરખો ઢેડો આખો દિવસ ફક્ત લંગોટભર કમ્પાઉંડમાં આંટા મારતો, આંખો અંતરીક્ષમાં તાકતો, હોઠ ફફડાવતો કશુંક બબડ્યા કરતો અને પછી આખી રાત એની કોટડીના બારણાના સળિયા ઝાલીને બેઠો રહેતો; કહેતો હતો કે “હવે મને નવ વરસ સુધી નીંદર નથી આવવાની: નવમે વર્ષે હું છૂટીશ, શરીરે ભસ્મ લગાવીશ, છાતી ઉપર એક છૂરો છુપાવીશ, અરધી રાતે પેલાને ઘેર પહોંચીશ – જેણે મારી ઓરતને રાખી લીધી છે, એની છાતીમાં છૂરો હુલાવીને મારી ઓરતને હું પાછી લઈ આવીશ.”

કોઈએ કહેલું : “અરે હરખા ! તને ફાંસી મળશે.”


ઉપદેશક દાદા
19