પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરે, ત્યારે માંડ-માંડ વિખૂટાં પડે. પછી પાછાં બારીઓ સોંસરવાં ટગરટગર જોયા કરે. પછી છેક પેલી દૂરની સડક સુધી પોતાનું સ્વજન પહોંચે તોયે દરવાજાના સળિયા ઝાલીને ઊભેલા આ સાવજોનું તારામૈત્રક પતે નહિ. દરવાનો બિચારા ક્યાંય સુધી જોયું ન જોયું કરે. એની પહેરેગીરીની શિસ્તમાં પડી રહેલ ભંગ માટે એને પલેપલે ભય થાય તો પણ મૂંગા ઊભા રહે. તે છતાંય જ્યારે પેલી મીટોમીટનાં મિલન છૂટાં પડે જ નહિ ત્યારે આ ખાનદાન દરવાનો પોતાનાં હસવાં માંડમાંડ ખાળી રાખીને એ રઢિયાળા રાજકેદીઓના સળિયે જડાઈ ગયેલ શરીરોને ધીરેધીરે ઉખેડી નાખે, ને ફોસલાવી પટાવી પાછાં અંદર ધકેલે !

એ ઢુંગઢુંગે આંસુની મારી મહેફિલમાં તમે પંજાબી મા-દીકરાએ એક પણ આંસુ ન પીરસ્યું, પીટ્યાઓ! દલબહાદુરની વણકરી વખાણવામાં અને પેલાં ‘ફૂલો’ વિશેની પરદેશી વાર્તા-કવિતા સંભળાવવામાં મારો મનોરથ તો છૂપો છૂપો એ જ હતો કે કોઈ વાતે આ પંજાબી કેદીનું આંસુ મને મળી જાય!

હાય, હાય, મારા. કલેજામાં આ અતૃપ્તિનો કિન્નો જાગે છે. દલબહાદુર, તારી અને જનેતાની વચ્ચે પ્રેમ હો કે ન હો તેની મને જેલઑફિસની બારીને કશીયે પડી નથી. તારે જુવાનીની કોઈ પ્રિયતમા હો કે ન હો તે વાતથી પણ મને શી નિસબત છે? મારે ને તારે શી એવી સગાઈ કે તારા પ્યાર અને તારા વિયોગ સાથે હું હમદર્દી અનુભવું? પણ મારે તો કેવળ મારી પોતાની મોજ ખાતર અને મારા સંઘરામાં ઉમેરવા ખાતર તારું એક આંસુ જોઈતું હતું. મારે રાત્રિએ એકલાં બેસીને તારાઓના આછા અજવાળામાં તપાસવું હતું કે દલબહાદુર પંજાબીના આંસુમાં શા શા આકારો પડેલા છે. એ મને ન મળ્યું એટલે હવે હું મારા વૈરની તૃપ્તિ સારુ થઈને તને ઠેરઠેર વગોવતી રહીશ કે દલબહાદુર પંજાબીને લાગણી જેવી કશી ચીજ જ ક્યાં છે? એ તો રાક્ષસ છે રાક્ષસ !

બાકી, તારી ડોશીના ફુટેલા હૈયામાં તો કશી કોમળતા હોય જ ક્યાંથી? પ્યાર, મહોબત, ઉમળકા, એ બધાં તો છે સુંદર સુકુમાર શરીરવાળાંની સંપત્તિ. ઊર્મિઓના ઉછાળા તો આવે છે કે કેવળ કવિતાના જાણકારોને


દલબહાદુર પંજાબી
33