પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાકલ બોરડીને પવન-ઝપાટો લાગતાં બોર ખરી પડે તેમ ઝરવા લાગ્યાં. બસ, એ વખતે મને સંતોષ થયો. સાચું કહું તો એ રડવાનો તમાશો કરનાર ઈરાની પરિવારનું ટોળું મને આવી મજા નહોતું આપી શક્યું. મહીકાંઠાના એક જુવાન ખેડુ ભાઈની વીસ વર્ષની ખાંતીલી બહેન આવે નમણે અને ઘાટીલે મોંએથી જે આંસુનાં ટીપાં ટપકાવે તેની તોલે બીજાં કયાં માણેકમોતી આવી શકે ?

– ૨ડ, બાઈ ! રડ. હું તો માગું છું કે તું હંમેશાં આંહીં ઊભી-ઊભી ભૈ, મારો ભૈ બોલતી રાત્રિદિવસનાં કલેજાં ચીરતી રડ્યા કર. આ દીવાલોના ભૂક્કા કરી મને કોઈ મોકળી કરનારો ન આવી પહોંચે ત્યાં સુધી તું ભલી થઈને તારા ભાઈની શોધમાં અહીં ભટક્યા કર. તારા ગાલ પરથી સરતાં ટીપાં જોઉં છું, ત્યારે પેલા કમળ-પાંદડી ઉપર બાઝેલા ઝાકળબિન્દુની કવિતા જોડનારા કવિઓ પ્રત્યે મને હાંસી ઊપજે છે.

“જેલરસા’બ ! મારો ભૈ ક્યાં ? સાબ ! મારો ભૈ વાલજી રઘુજી ક્યાં ?”

ભલે પાડતી ચીસો. ભલા થઈને તમે હમણાં આ તરફ નજર કરશો નહિ હો, જેલરસા’બ ! થોડો વખત મારા રંગમાં ભંગ પાડશો નહિ. મારા રત્નભંડાર મને આ ભૈની બોનને આંસુડે અને આક્રંદે ભરી લેવા દેજો.

પણ હવે તો મારીયે ધીરજ ખૂટી ગઈ. હવે આ રડતી બોનને પટાવીને છાની રાખો, નહિ તો આંસુના વધુ પડતા ભક્ષે મારું ઉદર ફુટી પડશે. જેલરસા’બ ! તમે પંદર ચોપડામાં સહીઓ કરતાં-કરતાં મોં કટાણું કરીને એક વાર આ લપ્પી બાઈ તરફ નજર કરો. આંખો ખોટી-ખોટી પણ લાલ રાખો. પ્રથમ તો એ હેબતાઈ જાય એવી ત્રાડ નાખો કે ‘જાઓ, જેલરસા’બ મર ગયા!’ પછી એની સામે એક જ મીટ માંડો એટલે તમને તમારી મોટી દીકરી સાંભરી આવશે. પછી એ ખોટેખોટા ગુસ્સા તળે છુપાવેલું તમારું દયામણું સ્મિત સહેજ દેખાવા દઈને જેલમાં તપાસ કરાવો કે વાલજી રઘુજી નામનો રાજકેદી બાપડો ખેડુ હોવાને કારણે બીજા ક્રિમિનલ કેદીઓની જોડે તો નથી પુરાઈ ગયો ને?

સૂર્યાસ્ત થવા આવ્યો છે. કેદીઓ બુરાકોમાં પુરાઈ ગયા છે. ‘ગિનતી’


મારો ભૈ ક્યાં !
37