પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થઈ ગઈ છે. છેક તે ટાણે મોડીમોડી એ ‘બોનના ભૈ’ વાલજી રઘુજીની ભાળ મળી છે.

“જાઓ, તમારા ભાઈ હૈ. કલ આના !”

પણ ભૈની બોનને આજ રાતે ઊંઘ નથી આવવાની હો, જેલરસા’બ ! ચોવીસ કલાક વિતાવવાનું કહેતાં એની વેદનાનો વિચાર કરજો. એ બાપડી પોતાના ભાઈને મરી ગયેલો માને છે. જેલરસાબ, તમે ને હું બંને બુઢાપામાં ડોલીએ છીએ. આપણે બેઉ આપણો ઘાતકી સ્વભાવ ભૂલતાં જઈએ છીએ. આપણ બેઉને એ વાતની શરમ થવી ઘટે. આ પીળી પઘડી અને દંડો પહેરીને નવાનવા મુકાદમો બની રહેલા ખૂની અને ડાકુ કેદીઓ, આપણી બેઉની પોચી પડી રહેલી નિષ્ઠુરતા ઉપર હસે છે. પણ આપણા મનોબળ પરનો કાબુ, આપણને આવીઆવી કોઈકોઈ ‘ભૈની બોન’ હવે વારંવાર ખોવરાવી દે છે. આપણે તો અતો ભ્રષ્ટ ને તતો ભ્રષ્ટ બન્યાં. ખેર! હવે અત્યારે તો આ અસ્તાયમાન દિવસની ભૂખરી સંધ્યામાં આપણાં શરમિંદાં મોં છુપાવીને એ ભૈને બોલાવો. ભલે ખાસ કારણ તરીકે બુરાક ખોલવી પડે.


⇘⇗⇘⇗

38
જેલ ઓફિસની બારી