પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લેવરાવી આવના૨ પણ. દાક્તર દાદા જ હતા. વળી દાદાએ જ કહ્યું કે “દોસ્ત, આજથી આઠ દિવસ સુધી તને દૂધ ઉપર જ રાખવાનો છે.”

આમ છતાં એ નં. 4040 શા સારુ સાજો થયા પછી દાક્તર દાદા ઉપર જ દાંત કચકચાવીને મુક્કો ઉગામતો હતો ? શું દાદાએ ચોપડેલી પેલી લીલી દવાનો હેતુ ફટકાની વેદના વધારવાનો હતો ? પોતું લગાવ્યું તેથી જ શું એને પહેલે ફટકે કાળી લાય ઊઠેલી ? અને કેદી પૂરા પંદર ટકા ઝીલવા સશક્ત છે એ ખાતરીપત્રક દાક્તર દાદાએ દીધેલું એમાં દાદાનો બાપડાનો શો અપરાધ ?

“હાથમાં આવે તો ટોટો જ પીસી નાખું દાક્તરનો; છોડું નહિ. ભલે ફાંસીએ લટકાવે !”

આવા અસ્પષ્ટ બોલ નં. 4040ના બે હોઠ વચ્ચે ફફડાટ કરી રહ્યા છે. બેવકૂફ કેદી સમજી શકતો નથી કે આમ તે શા માટે કરવામાં આવ્યું. એ મનમાં મનમાં પૂછે છે કે અલ્યા ભૈ ! મને દવા કરતાં-કરતાં ફૂટકે મારો છો : ફટકા મારતાં-મારતાં દવા કરો છો : એક તરફ જલ્લાદને ઊભો રાખો છો ને બીજી તરફ ઊભા રાખો છો દાક્તરને. પહેલાં પ્રથમ જાણે કોઈ સાત જન્મોનાં વેર વાળવાં હોય તેટલા ઝનૂનથી માર મારો છો, ને પછી પાટાપિંડી કરાવો છો, પહેલાં ઘોડી પર મારો વધસ્તંભ ભજવો છો, ને પછી ઝોળી પર પોઢવાનું માન મને આપો છો : પહેલાં પૂરો રોટલો પણ દેતા નથી, ને પછી પાછા આઠ દિવસ સુધી દૂધનો આહાર આપો છો. તે કરતાં મને તમારી ઘંટી પીસતાં-પીસતાં આટો ખાવો ન પડે તે સારુ એકાદ રોટી વધારે આપી હોત !

આ તે તમારી કેવી અદ્‌ભુત સમતોલનીતિ ! કેટલી અદલ ઇન્સાફિયત ! ધન્ય છે એ ફટકાની સજાના કો પરમ શોધક પુરુષને ! પણ, દાક્તર… દાક્તરનો તો હું ટોટો જ પીસી જઈશ. હું મૂર્છા ખાઈને ઘોડી ઉપર મારા દેહનો ઢગલો કરી પડ્યો હતો, ત્યારે પણ એની ઇન્સાનિયત ન પોકારી ઊઠી કે હવે આ મુડદા પર પ્રહાર ન કરજો.

ભાઈ કેદી નં. 4040 ! તું આ દાક્તર દાદા ઉપર ગેરવાજબીપણે


'ઔર કુછ ?’
55