પૃષ્ઠ:Jail-Officeni.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈ અનુભવી અને કાબેલ સોર્ટરના હાથમાંથી ફેંકાતા કાગળોની ઝડપે અમારા હાકેમસાહેબના હોઠમાંથી એક પછી એક સજાઓ વછૂટે છે. અને આ નમૂછિયાઓ ‘નથી કરતા. બસ, નથી કરતા !’ એવો તોર રાખી કેવી-કેવી સજાઓ સ્વીકારી લે છે ! સજા તો સ્વીકારે છે, પણ સજાની ઠેકડી કરીને આપણા સહુનો મોભો હણે છે, ઓ મુકાદમ ભાઈઓ !

ટાટ કપડાં આપીએ છીએ, તો ‘ચાઈના સિલ્ક’ કહીને પહેરે છે.

કેદીનાં ચગદાં ચોડવા આપીએ છીએ, તો ચકચકિત માંજીને મોં જોવાના અરીસા બનાવે છે !

‘એકલખોલી’માં પૂરીએ છીએ તો ચોપડીઓ વાંચવાનો વૈભવ માણે છે. જે ભજનપ્રાર્થના આપણે બુરાકોમાં ગાવા નથી દેતા તે તો તે લફંગાઓ બેવડી દાઝે ત્યાં પડ્યા પડ્યા ગાય છે. અને અફસોસ, આકાશનાં ચાંદરડાં સાથે મુંગી વાતો કરે છે. બારણાના કાળા કિટોડા જેવા સળિયા સાથે મહોબત કરે છે અને… આપણા ઝીણાબોલા જેલરને તેઓ ‘ફઈબા’ નામ આપીને જુલમોની તમામ કડવાશનો વિનોદ બનાવી કાઢે છે.

હવે બસ, એક ફટકાની સજા તેના ઉપર પડવી બાકી રહે છે.

પણ ઓ મારી ત્રિપગી ઘોડીબહેન ! તારો મોભો જો તૂટશે, તો ડર જેવું શું બાકી રહેશે આ આપણી દુનિયામાં !

નં. 4040નો રંગ ચડતો જાય છે, આ નમૂછિયાઓને. ‘એકેએક સજાનો સ્વાદ અમારે લઈ જોવો છે’ એવું એ બધા અંદરોઅંદર બોલ્યા કરે છે. પાંચ જ ફટકે ભાન ચાલ્યું જતું હોવાની વાત જાણ્યા પછી તો તેઓ ખૂબ જોશમાં આવી ગયા છે. હસતા હસતા તેઓ ગાય છે કે –

દેખ લેંગે જોર કિતના
બાજુએ કાતિલમેં હૈ !

તમે બધા ત્રાડો પાડીને પીઠ ફેરવો છો ત્યાં જ એ બધા હસી પડે છે.

કીનો લેવાની ભયાનક શક્તિ તે ટીખળ છે. સત્તા સામે હસતાં શીખ્યો તેનો વિજય છે. હાય રે ! આ ખભે રૂમાલો નાખીને ઊભેલા, સુકોમળ મુખાકૃતિવાળા નમૂછિયા છોકરાઓએ આજ ઉપહાસ આદર્યો !


64
જેલ ઓફિસની બારી