પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વીરત્વ ગળાકાટુનું.

આજ એ અનેક ખૂનોની ગાંસડીએ અનવરને નીચો નમાવ્યો છે. રાતે જઈને અનવરની તુરંગ પાસે તો તું ઊભો રહેજે !

અનવર આખી રાત કલમા પઢે છે, નમાજે ઝૂકે છે, દરોગાઓને કહે છે કે મેં ઘણીઘણી હત્યાઓ કરી છે; આ એક ભલે નથી કરી, પણ મને યોગ્ય સજા મળી છે.

અનવર ઘેરા કંઠે ગાયા કરે છે. કૈં કૈં દિલભેદક કલામો ગાય છે. વચ્ચે વચ્ચે પાછો બોલી ઊઠે છે: “અય ખુદા !હમ ભી તેરે પ્યારે બચ્ચે હૈં !”

આખી ફાંસીખોલીનું વાતાવરણ અનવરની સંગાથે જ જાણે પાપની તોબાહ ગુજારી રહ્યું છે. ઈમાન, શાંતિ અને ઈશ્વરી રહમદારીની એક મસ્જિદ જાણે કે સર્જાઈ ગઈ છે. ત્યાં વૉર્ડરો, મારપીટ કે ગાળાગાળી તો શું પણ ઊંચે અવાજે વાત પણ કરી શકતા નથી. ત્યાં મુકદમો જાય છે ત્યારે તેઓના પગના જોડા અબોલ બની રહે છે. ત્યાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટની મુલાકાતો પણ રુઆબફુવાબથી રહિત બનીને થાય છે. ગુસ્સામાં અને ખુશાલીમાં જેનું ગળું હંમેશાં ગાજી ઊઠવા જ ટેવાયેલું છે તે જેલરના હોઠ પર ત્યાં માત્ર મૂંગી પ્રાર્થના જ ફફડે છે. તાળાં અને ચાવીઓ, કોટડીનાં કમાડો અને સાંકળો ત્યાં અદબથી ઉઘાડાય છે અને બિડાય છે. ખુલ્લે ગળે બોલે છે ફક્ત ત્યાં પક્ષીઓ ને ખિસકોલીઓ.

જેલના રચનારને જાણે મૃત્યુની અદબ હશે. ફાંસી ખોલીની આખી તુરંગને બાંધવામાં એણે હવાઉજાસની આવ-જા રૂંધી નથી. પહોળી પરસાળ પર શીતળ લાદી જડી છે, ને પરસાળની સામે સીધી હારમાં લીલાછમ લીંબડા-પીપળા રોપાવીને ઘટાદાર છાંયડો નિપજાવ્યો છે. એ ઝાડોના પગ પાસે ગુલાબ, ડોલર અને ચંપા જેવાં ઝાડોનો નાનો બાગ વવરાવ્યો છે.

કોઈ-કોઈ વાર ત્યાં રહી જતા બેવકૂફ રાજકેદીઓ પોતાની મુલાકાત વેળા પોતાનાં બાળકોને પહેરાવવા સારુ આ ડોલર-ચંપાની માળાઓ પરોવી રાખતા.

તુરંગના દરવાજાથી પચીસ જ કદમ દૂરની દીવાલ પાછળ જ્યાં


ફાંસી
83