પૃષ્ઠ:Jail-Officeni.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરલોકના પ્રવેશદ્વાર જેવું ફાંસીખાનું છે, તેના બારણા સુધીની એ પચીસ જ પગલાંની નાની કેડીને પણ બન્ને બાજુએ ફૂલ-રોપ વડે શણગારી છે. એ ફૂલોની વચ્ચે થઈને કેદી અપર દુનિયાની યાત્રાએ ચાલ્યો જાય છે. એ ફૂલમંડિત વાટિકા જાણે કોઈ તપોવનમાં, આશ્રમમાં કે નદીઘાટ પર લઈ જાય છે. કોઈ નૌકા ત્યાં મુસાફરની વાટ જોતી જાણે ઊભી હશે.

થોડા જ દિવસ પછીને એક પ્રભાતે પોતાને પણ જે ફૂલમંડિત કેડીનાં પચીસ પગલાં ભરી કાઢવાનાં છે, તે પગથી ઉપર નજર ઠેરવતો અનવર પોતાની કોટડીને બંધબારણે બેઠોબેઠો પોતાની રચેલી ઈશ્વરી કલામો ગાતો ત્યારે એનો ઘેરો અને ગળતો કંઠ એ કોટડીના ઊંચાઊંચા છાપરા સુધી ઘૂમરીઓ ખાઈને કેવો ગુંજતો હતો !

હું તો રહી દરવાજા પરની, છેવાડાની બારી: અજગર સરખા, કૂંડાળું વળીને પડેલા એ જબ્બર કાળા કોટની એક તબકતી ઝીણી આંખ જેવી હું તો. પણ અંદર ક્યાં-ક્યાં શું થઈ રહ્યું છે તે બધું જોઈ અને સાંભળી શકું છું. હવા વાટે અને જમીન વાટે મને એ આખીય જેલમાં બનતા બનાવોના વીજળી જેવા આંચકા વાગે છે. હું ચીસ પાડી નથી શકતી તેથી કરીને એ આંચકાની પીડા મને વધારે લાગે છે.

દાખલા તરીકે આજે જ અમારો સૂબેદાર દોરડાંનાં મોટાં ગૂંચળાં લેવરાવીને શંસીખાનામાં જઈ આવ્યો. અનવરને કેટલી ઊંચાઈએ ઊભો રાખવો પડશે, એના ગળાની પહોળાઈને પહોંચી વળવા માટે કેટલો ગાળિયો જોઈશે, વગેરે માપ-બાપ નક્કી કરી આવ્યો. અનવરના ભારથી રસી તૂટશે તો નહિ ને, એ ચોકસી કરવા સારુ ગુણપાટમાં રેતી ભરીને બનાવેલ એક માનવ-પૂતળાને લટકાવવાની ‘રિહર્સલ’ પણ કરી આવ્યો. ફાંસીખાનું વાળીચોળી કોઈ શિવાલયના આંગણા જેવું ચોખ્ખુંફૂલ બનાવરાવી આવ્યો, ને બરાબર સામે જ પોતાની કોટડીમાં બેઠેબેઠે અનવરે એ નજરે દીઠું. પછી બપોરે ‘અમ્મા’ મુલાકાતે આવી.

પણ જેલરે આજ એ છેલ્લી મુલાકાતનો મીઠો ભક્ષ મારા મોંમાંથી પડાવી લીધો તેથી મને ઘણુંઘણું માઠું લાગ્યું. ‘અમ્મા’ને તો વૉર્ડરો છેક ત્યાં


84
જેલ ઓફિસની બારી