પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરે! આશા કિન્તુ જરી પણ રહી ના હ્રદયને -
પડ્યો જે નીચે તે જગત ક્યમ ઊંચે લઈ શકે?

સખે! અન્યાયી તું મુજ હ્રદયને ને જગતને!
અરેરે! તેં કીધું જગત કડવું આ હ્રદયને!
કૃતઘ્ની તું થાતાં મમ દિલ કૃતઘ્ની થઈ ગયું!
પ્રભુની લીલાને વિષમ ગણતાં એ શીખી ગયું!

તને કૈં કહેવું એ દિલની નબળાઈ મુજ નકી!
વિના સ્વાર્થે પ્રીતિ મમ હ્રદયથી ના થઈ શકી!
નકી આશા કાંઈ તુજ હ્રદયમાં રાખી જ હશે,
ન તે પૂરી થાતાં મમ હ્રદયને આ દુઃખ, સખે!

હશે ! ભાઈ ! કિન્તુ હ્રદય ત્યજવું તે સુખથી શે?
ઉછેર્યું મેં ત્હારૂં હ્રદય કુમળું દુઃખી, ગણીને;
હવે કાંટા લાગે! અમર તુજ એ કંટક હજો!
પરન્તુ બીજાથી જરી વધુ હવે કોમળ થજો!

૧૯-૪-૧૮૯૬

બાલક કવિ

તારી દીસે ચપળ નેત્રની જ્યોતિ બાપુ,
કીકી ભરી રમતિયાળ હજાર ભાવે:
તારાં સહુ ઊઘડતાં ફૂલશાં સુઅંગો,
આ બાલવૃંદ મહીં કાંઈ જુદાં જ ભાસે!

શોધી રહ્યો નવીન કાંઈ સ્થલે સ્થલે તું,
ને ખેલમાં મચી રહ્યો વળી પૂર્ણ હર્ષે!
તું સર્વ જ્યાં અટકતાં કૂદી જાય સહેજે,
ના કાંઈ જોખમ તને નજરે પડે છે !

કેડી પરે વન મહીં સહુ બાલ ખેલે,
ક્યાંયે તું તો ઘૂસી જતો વન માંહી દૂરે!
વૃક્ષે ચડી ઝરણ એ વહતું જુવે છે,
ને ત્યાંય કાંઈ નીરખી મશગૂલ ર્ હે છે!

કલાપીનો કેકારવ/૧૮૫