પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારૂં ઉપવન સદા પંખિડાં સર્વને છે;
રે રે! ત્હોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી,
છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા!
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય તયાગી,
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.

૯-૬-'૯૬


પશ્ચાત્તાપ

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો'તો!
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો'તો!
એ ના રોયું, તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સ્હવો સહેલ સ્હેનારને છે!

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મ્હારૂં હૃદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
રે રે! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરના મૂળને ખાઈ જાતો!

કેવો પાટો મલમ લઈને બાંધવા હું ગયો'તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો'તો!
એ અશ્રુ, એ જખમ, મુખ એ, અંગ એ એ
બોલી ઊઠ્યાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે :-

'વ્હાલા! વ્હાલા! નવ કરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
'ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું!
'ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
'ત્હારૂં તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.'

ત્યારે કેવાં હૃદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!

કલાપીનો કેકારવ/૨૨૯