પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છોડી દેવા રસ મધુર સૌ સાધ્ય લાગે તને જો,
તો ના શાને પ્રણયી બનતાં સાચવે ત્યાગ ત્હારો?
હું સંસારી મુજ હ્રદય આ ખીલતાં હર્ષ પામું,
તું યોગીને તુજ હ્રદયને બાળવું યોગ્ય લાગ્યું!

સુખ અનુભવનારો કિન્તુ આંસુ ય પાડે,
જરૂર સ્થિર નહીં તે કમ્પતો તાર ચાલે;
રુદન નહીં ત્યજાતું હાસ્યના ત્યાગ પ્હેલાં,
કટુ નકી કટુ લાગે સ્વાદનું ભાન થાતાં.

બને તે કેમ કોઈથી ચાહવું ને ન ચાહવું?
બને તો તું ભલે તેને છોડી દેજે રમાડવું!

* * *


વહ્યા કૈં દ્હાડા ને મૃગ પ્રિય હજુ છે ઋષિદિલે,
વહેશે કૈં દ્હાડા, મૃગ પ્રિય રહેશે ઋષિદિલે;
અહાહા! બન્ધાયો જગત ત્યજનારો મૃગ મહીં,
અરે! છૂટ્યો ફાંસો સમજણ છતાં એ કદિ નહીં!

ધીમે ધીમે શરીર પર એ મૃત્યુના હસ્ત લાગ્યા,
કિન્તુ ઓછી નવ થઈ અરે! બન્ધની કાંઈ પીડા;
પમ્પાળે છે શિથિલ કરથી યોગી તેનું કુરંગ,
નિત્યે નિત્યે વધુ વધુ હજુ યોગમાં થાય ભંગ.

જટાથી ટેકવી માથું, સૂતો છે ઋષિ એક દી,
મૃત્યુથી તૂટતી નાડી જોરથી ધબકી રહી.

પાસે ઉભું છે દુઃખિયું કુરંગ;
શું થાય છે તે સમજ્યું હતું તે;
ચાટે ઋષિના કર ને કપાલ,
ને નેત્રે નેત્રે મળી દર્દ રોતાં.

ભીના હતા ગાલ ઋષિ તણા એ,
અશ્રુ હતું એક તહીં રહેલું;
બોલ્યો ઋષિ, 'રે! મુજ બાલ બાપુ!
'આ આશ્રમે હા ક્યમ જીવશે તું?

કલાપીનો કેકારવ/૨૪૦