પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'તું એકલાની સ્થિતિ? શું અરેરે!
'ટોળું હવે શોધીશ ક્યાં નવું તું?
'રે! શું થશે મૃત્યુ અકાલ ત્હારૂં?'
પંચત્વ પામ્યો વદી એમ યોગી.

કથા એવું કહે છે કે જન્મશે મૃગ એ ઋષિ;
વાંછના જે રહી તે તે પૂરી સૌ કરવી પડે.

૧૬-૬-'૯૬

પક્વતા

અહોહો! તે કલી કાચી કાલ ના ઉઘડી હતી,
પક્વતા ના હતી ત્યારે સુગન્ધીય હતી નહીં.

હતી ના મધમાખી ત્યાં, હતા ના ભૃંગ ગુંજતા,
સુખાસ્વાદી કલા મીઠી મુખપદ્મ હતી ન વા.

ખીલેલી છે, મહેકે છે આજ તો પાંખડી બધી;
હીંચતી વાયુલ્હેરીથી ભૃંગને રીઝવી રહી.

ચૂપ છે ઝૂલતી ત્હોયે મીઠું ગાયન ગાય છે!
આહા! લાવણ્ય તેનું આ કરે છે વશ આંખને.

મોહની શી કલા મીઠી ગ્રહે છે પક્વ ચારુતા,
વળી એ કાન્તિના ભોક્તા હોય છે સજ્જ સર્વદા.

કિન્તુ રે! વિક્સે છે એ હજુ તો એક પાંખડી,
ત્યાં તો રે! કરમાવાનું થાય છે શરૂ આજથી!

આજે જે પાંખમાં પેસી ચૂમે છે મધ ભૃંગ તે,
ફિક્કી પીળી થઈ કાલે સુવાસિત નહીં હશે!

સ્પર્શતાં પક્વતાને કૈં, રે રે! ધ્વંસ શરૂ થતો,
અને, ના પક્વ ત્યાં સુધી ના સ્વાદ મળે કશો.

૨૦-૬-'૧૮૯૬

ઋણ

આ બ્રહ્માંડ અનન્ત મ્હેલ પ્રભુનો કૈં કાલથી છે ઉભો,
તેમાં કૈંક ઝરી ભર્યા ચળકતા ઊડી રહ્યા વાવટા;

કલાપીનો કેકારવ/૨૪૧