પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આ ચિતારો, નકલ કરતો ભાવ વા રૂપની કૈં,
બ્હોળી મીઠી કુદરત તણું સત્ય ખેંચે કલાથી;
પોતાનું કો ઋષિ, યતિ વળી સર્વ બ્રહ્માંડ માને,
ને સંસારી સુખથી ન સુવે કોઈ સુવર્ણ માટે.

આ શું ત્હારાં સ્મિત, રુદન ને મોહ ને લોભ્, પ્રીતિ?
ઓહો! એ શું તુજ હૃદયની મૂર્તિપૂજા ન મીઠી?
યોગી, પક્ષી, પશુ, જન અને જીવ કે જન્તુ કોઈ
કો આ કો તે ઉપર દિલનું જીવતું લક્ષ્ય રાખી.

આ મૂર્તિ આ પ્રણય તુજ કૈં કાલથી વિસ્તરે છે,
બાલુ! ત્હારૂં જડ રમકડું બ્રહ્મની કૂંચી આપે;
ઉઘાડી દે તુજ પડ સહુ ચાવી એ ફેરવી તું,
મૂર્તિ પૂજી તુજ જિગર દે મૂર્તિમાં ભેળવી તું.

૧૬-૮-૯૬

મનુષ્ય અને કુદરત

ઘડી છોડી દેને ઘડમથલ ત્હારા જગતની,
જરા જા આજે તો નિરંજન મહા જંગલ મહીં;
તરુ, પક્ષીમાંથી જરૂર મળશે કાંઈ કીમિયા,
જશે અન્ધાપો આ તુજ હ્રદયનો ત્યાં વિહરતાં.

બધું એ સૂનું છે જન વિણ, અરેરે! વન નકી,
થશે તેનો ભોક્તા, જીવનમય થાશે સહુ પછી,
સુખી આત્મા ઊંડો નિરખી તુજને ત્યાં ઘુઘવશે,
અને ત્હારી સાથે રસભરી બની હાસ્ય કરશે.

ઝુલન્તા વૃક્ષોથી અમર રસનાં બિન્દુ ઝરશે,
વળી દૈવી વાતો ચકલી મૃગલી ત્યાં કહી જશે;
કુમારી કન્યા એ કુદરત તને ત્યાં પરણશે,
અને બન્ને વચ્ચે રુચિર કિરણો કૈંક વહેશે.

ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ,
અરીસો તેનો આ જનહ્રદયની લાગણી વળી,
પ્રતો સૃષ્ટિલીલા કશી જનસ્થિતિનો પ્રતિધ્વનિ,
મનુષ્યોની સાથે કુદરત બની ગ્રન્થિત નકી.

કલાપીનો કેકારવ/૨૫૬