પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગિરિના શૃંગો એ જનહ્રદયની ટેક દૃઢતા -
રૂડી કુંળી મીઠી કલી તુજ વળી તે પ્રિયતમા.

ક્ષિતિજે દિસે જે શકલ નભના ગાઢ વનમાં -
ન શું એ આશાને અગર સ્મૃતિની દિવ્ય પ્રતિમા ?
હજું શું જોવું છે ? સ્મિતભર દિસે છે મુખ બન્યું,
અરે કિન્તુ આ શું ? કુપિત વળી હૈયું ક્યમ થયું ?

કુહાડી લાગે છે તરુ ઉપર એ કાષ્ઠિક તણી,
પડી જાશે ડાળી, કુંપળ પડશે સૌ ખરી ખરી;
મીઠાશે ખારાઈ, અરર ! નવ શું તું સહી શકે ?
અરે ! ભાવિ તો એ વિટપ સમ અન્તે તુજ, સખે !

૧૭-૮-૧૮૯૬

સુખમય સ્વપ્ન

સુખમય શમણું છો કોઈ આયુષ્ય માને,
અધિક અધિક યત્ને ફાવતું કો જણાયે;
પણ પ્રતિ દિલનાં છે કાંઈ જુદાં જ તત્ત્વો,
જખમી જખમ શોધે, વૈદ્ય ત્યાં શું બિચારો?!

નથી નથી દુઃખ કાંઈ, ભાઈ! છે કૈં ન ચિન્તા!
પણ નથી મુજ તત્ત્વો, વિશ્વથી મેળ ખાતાં;
સુખમય પણ સ્વપ્નું, સ્વપ્નમાં મોહ શાનો?!
જરી વધુ ચિર, બાપુ! હોય તો કૈં બતાવો.

સુખમય શમણું એ પૂર્ણ છે ક્યાં ય દીઠું?
સુખમય સ્થળ દીઠું? ચાલને! ત્યાં જ ર્ હેશું!
નથી નથી નથી દીઠું! દેખશે ના કદી એ!
વળી સુખમય કાંઈ શોધવું વ્યર્થ લાગે.

પ્રિયમુખ પ્રિય લાગે, આખરે ત્યાં ય રોવું,
પ્રિયવિરહ થવાનું જાણતું કો ન ટાણું;
અપ્રિય, પ્રિય ત્યજીને જીવતાં મૃત્યુ લેખું,
કંઈ સુખી બનવાને, શોધતાં એ જ લાધ્યું.

નહિ ઉડી શકશે આ સુસ્તની સુસ્તી આવી,
રુદન નહિ ત્યજાશે, હાસ્યના ત્યાગ પ્હેલાં;

કલાપીનો કેકારવ/૨૫૮