પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અગર કુદી કુદીને બેસ જા ચન્દ્રપીઠે,
મધુર રસ તહીંનો પૃથ્વી આ જાણતી ના;
નવીન મધુ-સુધાની ધાર ત્યાંથી કરી દે,
નવીન જીવન વિશ્વે પૂરતાં ગીત ગા ગા.

નકી નિજ કવિ શોધે વિશ્વના સૌ પદાર્થો,
નિજ રસ કથવાને રાહ જોતાં સહુ છે;
અગણિત યુગ વીત્યા, ગાઈ ચાલ્યાં હજારો,
પણ વદન હજુ કૈં છેક અતૃપ્ત ભાસે.

છલકી વહી જતો કો મસ્ત થા પી મદિરા,
મચવ જિગર માંહી ઇશ્કની ધૂન ઊંડી;
ઊઠ ઊઠ ! શિખરો સૌ સ્વર્ગનાં તોડ જૂનાં,
જનહૃદય મહીં તું ઊર્મિઓ અર્પ તાજી.

ન કદી મધુરતાનો હોય જો ધોધ તુંમાં,
સખત સખત ભોળાં વજ્ર શાં ગીત ગા તો;
પછી રસ યુગ સુધી પૂરશે પૂરનારા;
તુજ જીવન પરે કો જીવશે લાખ જીવો.

૨૫-૨-૧૮૯૭

ઇશ્કનો બંદો

જો ઇશ્ક ના શું ખુદા? આલમ કરી ત્હોયે ભલે,
જો ઇશ્ક ના તો શું જહાં? એને ખુદા એ શું કરે?

આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ!
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે ઇશ્ક છે!

એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મ્હારો કરૂં?
જ્યાં લાઇલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?

રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!
શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે!

ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!


કલાપીનો કેકારવ/૩૨૧