પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્હારાં આંસુ

રડી શાને વેરે તુજ નયન મોતી અણમૂલાં?
ન દે મીઠા ભાવો જલકણ મહીં આમ વહવા !
ત્હને જે ભાસે છે તુજ હ્રદયના ભાર કડવા,
અરે ! એ તો મીઠા મુજ હ્રદયના લ્હાવ સઘળા !
પ્રિયે ! ત્હોયે તું જો તુજ હ્રદય આવું ઠલવશે,
પ્રતિ બિન્દુ એવું ગણીશ નિરખી એક નજરે !
અકેકે બિન્દુડે દઇશ નવી હું આલમ ત્હને !
નકી એ બિન્દુડાં ટપકી ટપકી વ્યર્થ ન જશે !

૨૮-૩-૧૮૯૭

તે મુખ

લજ્જાળુ નયનો ઢળતાં કો,
આંખલડી ભીની બનતાં કો,
પ્રેમ તણી વાતો સુણતાં કો,
એ મુખડું નજરે તરવરતું !

એ મુખડું તો કાજળ મ્હારૂં,
સૌ ભાવોનું પ્યાલું પ્યારૂં,
એ વિણ કોને ક્યાં સંભારૂં ?
એ મુખડું નજરે તરવરતું !

૨૯-૩-૧૮૯૭

એ ચ્હેરો

પ્રેમી આંખો કુદરત બધી શીદ જોવાઈ જાશે ?
જેને લાદ્યું મધુર મધુર મુખડું આંખ કાં ખોલશે તે ?
જેને ખોળે જગત સઘળું ખેલવા ખેલ આવે,
દેશે દેશો વન વન થઈ શીદને આથડે તે?


કલાપીનો કેકારવ/૪૨૨