પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગીતો કૈં ગાવાથી શું છે?
એ તુજને જો દહતાં દર્દે,
                       છાના રોશું દર્દે!

૮-૫-૯૭

દૂર છે

જ્યાં ત્યાં કદમ ઇશ્કે ધર્યું, આલમ તહીંથી દૂર છે!
એ દૂર છે! દૂરે રહો! આ ઇશ્ક નૂરે નૂર છે! જ્યાં .

આલમ બધી ડાહી બની બીતી બનાવે કાયદા!
જો છે ન ડર - છે ના ફિકર તો કાયદા સૌ દૂર છે! જ્યાં.

પીતાં સનમ બીતી હતી જે જે હમે જામો ભર્યા!
આલમ મહીં પીતાં ડરી એ સૌ શરાબો દૂર છે! જ્યાં.

ઇશ્કને આલમ લગાડી, આંસુડાં પેદા કર્યાં!
જે ઇશ્કનો તેની સનમ દુનિયા મહીં ત્યાં દૂર છે! જ્યાં.

જે ઇશ્કમાં પીવું ઘટે - જે ઇશ્કમાં પાવું પડે -
તે પી સદા પાયું હમે - પીતાં ડરીએ એ દૂર છે! જ્યાં.

જેથી અહીં યારી ઉઠી તેથી તહીં દુનિયા થઇ!
આ લાખ સીસા પામતાં એ હું અહીં, એ દૂર છે! જ્યાં.

હું બોલતો 'પી પી' અને તે બોલતી 'ના ના' હતી!
'ના ના' રહી તેની સદા, હું પી રહ્યો, તે દૂર છે! જ્યાં.

મેં ઝેર પીધું છે! સનમ! છે તો મજા!શા અર્થની?
આ આગ થંડી ઉડતી! શું દૂરની તું દૂર છે? જ્યાં.

તું ખુબ પી દુનિયા હવે! આ ઇશ્ક પી પી ચાલતો!
'ના ના' કહે કે 'હા' કહે - હાવાં સદા તું દૂર છે! જ્યાં.

તું દૂર છે! આ ઝેર છે! પણ ઇશ્કનું તો પૂર છે!
જે ના શરાબે, ના સનમમાં તે હવે ના દૂર છે! જ્યાં.


કલાપીનો કેકારવ/૪૩૨