પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભૂલું ક્યમ તુજને, પ્રિયે ! કળીનો લઈ પરાગ ?
આભારી બનશે દગો! બૂઝાશે ઉઅર આગ !

ઉઠે છોને એ મીઠો ભાવ,
હ્રદય છોને લે મીઠા લ્હાવ !
કળી તું જો નવ દેશે આજ,
મને પ્રભુ માળી દેશે કાલ;
દિવસ જતાં શી લાગે વાર ?
કરી કાં નવ લે તું ઉપકાર ?
જીવનની સાર્થક ક્ષણ પણ એક,
પ્રેમમાં ઘટે ન લુંટી છેક.

માળી દે ફૂલ તે લઈ ગાય ન કો ઉપકાર !
પ્રિય કરથી કંઈ પામતાં વહે હર્ષની ધાર !

પ્રિયે ! તો અર્પ અર્પ તું તું જ !
પડું છો પુષ્પપાંખમાં હું ય !

૨૯-૬-૧૮૯૭

દૂર છે સારુ

સુણું તેને સદા ગાતું ! પરોક્ષે દૂર્ કૈં ગાતું !
સદા સ્વરતાનમાં ડૂબું ! હજુ પણ દૂર છે સારૂં!

પ્રભુના નાદની કરતું નકલ પ્રભુ પાસથી શીખી!
પ્રભુની જેમ એ ગાતું 'હજુએ દૂર છે સારૂં!'

દિવસ ને રાત એ ગાતું ! નથી મેં સાંભળ્યું થાક્યું !
જહીં હું એકલો બેસું, સુણું ત્યાં, 'દૂર છે સારૂં!'

ઢળે સન્ધ્યા ગળી જાવા, વહે લાલી ઉષાની વા,
હ્રદય તવ સાંભળે મ્હારૂં, હજુ એ 'દૂર છે સારૂં!'

જિગર મુજ બૂમ પાડે કે નિસાસે અશ્રુ ચાલે છે,
ચિતા મુજ ઉપરે ત્યારે લવે એ, 'દૂર છે સારૂં!'


કલાપીનો કેકારવ/૪૩૭