પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સૂતો છું આ કુંજે, શરીર મનમાં શાન્તિ પિગળે,
હજારો મીઠા મિશ્રિત સ્વર ભરે છે મગજને;
વિચારો આનન્દી મુજ દિલ કરે છે દુઃખભર્યું!
અહો! મ્હારું હૈયું સુખમય દુઃખોથી ઊભરતું!

અને આ આત્માને કુદરત ગ્રહી લે નિજ કરે,
ઉડાડી દે ઊંચો, પકડી વળી ચાંપે નિજ દિલે;
મૂકી તેને પાછો હસી મૃદુલ શેવાલ પર ને
પછી પંપાળે છે ફરી ફરી દઈ ચુમ્બન મુખે!

અરે! એ માતા છે ભગિની મુજ કે શાન્તિ સુખ છે,
નવાં કાર્યો પ્રેરી મુજ હૃદયમાં અગ્નિ છૂપવે!
નિહાળી વિચારી મુજ દિલ બની કાષ્ટ સળગે,
અહીં આ જે રીતે જન પ્રતિ ચલાવે જન, અરે!

નીલી કુંજોમાં છે સુમન મકરન્દે ભભકતાં,
નીચે ઊંચે ઊડે ફૂદડી નવરંગી રમતમાં;
અને હું ધારૂં છું પ્રતિ ફૂલ રૂપાળું હસમુખું–
બને છે ભોગી આ અનિલલહરી સ્પર્શસુખનું!

અહો! પક્ષી-એ તો કૂદી કૂદી રમે છે મુજ કને,
વિચારો તેઓના સમજી શકતો હું ન જરી એ;
અહા! કિન્તુ તેની અતિ ચપલ સૌ અલ્પ ગતિએ–
મને તો ભાસે છે પુલકિત થતો હર્ષ ચમકે!

પ્રશાખા ગુલ્મોની વ્યજન નિજ વિસ્તીર્ણ કરતી,
ભરી લેવા હૈયું દિનકર તણા આ કિરણથી;
નકી હું માનું છું, તરુ ફૂલ બધાં હર્ષમય છે,
ડૂબેલાં સર્વે છે પ્રણયમધુના મિષ્ટ ઝરણે!

અરે! આ શ્રદ્ધા જો કુદરત પ્રભુ-પાથરી રહે,
અને યોજી દે છે વિભુપતિ જ આ ધર્મ સહુને;
નહીં કાં રોઉં તો રુધિર દિલનું હું નિરખીને–
અહીં આ જે રીતિ જન પ્રતિ ચલાવે જન અરે!

નદી જો રોશે તો રુદન કરશે પ્હાડપથરા,
અને ઝીણું ઝીણું રુદન કરશે પક્ષી સઘળાં;

કલાપીનો કેકારવ/૯૮