પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વનોના આગારો-તરુ સહુ બિચારાં ટપકશે,
ઝરાનાં હૈયાં તો છણ છણ તપીને ઊકળશે!

અને આંસુ લ્હોતો પવન નદીનો મિત્ર બનશે,
નભે ઝૂમેલાં તે ઘનદલ તણાં અશ્રુ ખરશે!
કૃતિ આવી મીઠી કુદરત તણો જે ક્રમ કહે,
જનોમાં એ ના ના! જડ સમ નહીં શું જન અરે!

કહું શાને હાવાં ઉદધિ જડ ને આ જડ નદી?
ગણું તિર્યંચોને હૃદયહીણ હું તો ક્યમ કદી?
ખરે! હું જાણું છું જગત સૌ ચૈતન્યમય છે,
નહીં તો ક્યાંથી આ પ્રણય, કરુણા, ને રતિ અરે!

ભલે કાલિદાસે નિજ દિલ કહ્યું વાદળી કને,
પ્રિયાનો સન્દેશો ઘન સહ દીધો તે પણ ભલે;
નકી માન્યું છે આ મુજ દિલ અને એ કવિદિલે,
પહોંચાડ્યું મેઘે કવિરુદન તેની રમણીને!

કવિ આ ભોળો તો કુદરત તણો બાન્ધવ હતો,
જનો તે શું જાણે? જન પર રહ્યો સ્વાર્થ લપટ્યો;
વિના અશ્રુ જોશે જનદુઃખ જનો જ્યાં સુધી, અરે!
કવિતાના ભોક્તા સુખમય રસીલા નહિ બને!

નવા રંગો ધારી સુરધનુ અહીં આજ વિરમે,
જનોથી મ્હારે શું? કુદરત મહીં આ દિલ રમે,
રૂડી સંધ્યા રેલી સરિત સર ને પ્હાડ પર છે,
ધનુ સંકેલાયું, હિમકર તણું શૃંગ ચળકે!

ગ્રહો તારા સાથે ધવલ નભગંગા ખળભળે,
રૂડાં પીળાં પીછાં શશી પર ધરે વાદળી હવે;
ધકેલી તેને આ અનિલ લઈ ચાલ્યો રમતમાં,
અને પેલી ચન્દા થરથર ધ્રૂજી જલમાં!

અહા! કેવા પન્થે કુદરત કરે છે ગતિ! અને
અરે! કેવા પંથે કુદરત તણાં બાલક ભમે!
વિચારી વિચારી મમ દિલ બને ભસ્મ સળગી,
અરેરે! જે રીતિ જન પ્રતિ ચલાવે જન અહીં!

૨૯-૮-૧૮૯૪

કલાપીનો કેકારવ/૯૯