પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચે નમાઝે ઝૂકતાં ત્હારે કદમ,
આડા ફરે છે બેખુદાઓ એ, સનમ!

છો દમબદમ ખંજર રમે ત્હારું દિલે;
કાફર તણું કાતિલ ખેંચી લે, સનમ!

તું માફ કર, દિલદાર ! દેવાદાર છું !
છે માફ દેવાદારને મ્હારા, સનમ!

કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ ત્હને;
ગુઝરાનનો ટૂકડો ઘટે દેવો, સનમ!

પેદા થઈને ના ચૂમી ત્હારી હિના;
પેદા થયો છું મોતમાં જાણે, સનમ!

શાને કસે છે મુફત આ લાચારને?
દાવો સુનાનો છે હમારો ના, સનમ!

પત્થર બની પેદા થયો છું પ્હાડમાં,
છું ચાહનારો એ ય તુંથી છું, સનમ!


૧૮૯૯

સનમને સવાલ

તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં !
આ દિલ ધડકતું જાય ક્યાં? જાણું નહીં !

આવે ધરી આ દુશ્મનો તારી શિકલ;
યા આંખ આ અંધી બની? જાણું નહીં.

છે હાથ તો લાંબો કર્યો, દોરાઉં છું;
છે દોરનારૂં કોણ આ ? જાણું નહીં.

           × × ×

છે તો ચમન તારો રચેલો તેં ખુદે;
ચૂંટું ગુલો યા ખાર આ? જાણું નહીં.

જાદૂભરી બુલબુલ બજાવે વાંસળી;
તેની ઝબાંમાં કોણ છે? જાણું નહીં.


કલાપીનો કેકારવ/૫૦૮