પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ

સાથે સંભાષણ કરશે; તથા ગરાશીઆની અટારીઓ, ચારણોની કટારીઓ, વાણિયાની પટારીઓ અને ખેડુતોની ખટારીઓની છટા દેશમાં સર્વત્ર પ્રવર્ત્તશે !” એવા ભવિષ્યનું દિગ્દર્શન કરાવવામાટે જ તેમણે એ કચ્છ દેશને પોતાનું નિવાસસ્થાન બનાવેલું હોયની ! એવો જ પરિપૂર્ણ ભાસ થતો હતો. સારાંશ કે, પૂર્વે એક કાળ એ હતો કે જે કાળમાં આપણે વાર્ત્તાના સ્થળ કચ્છ નામક દેશમાં મનુષ્યજાતિની વસતિ બહુ જ અલ્પ પરિમાણમાં હતી અને નિર્જન ભાગનું પરિમાણ વિશેષ હતું.

કચ્છ દેશમાંનું નારાયણસરોવર નામક સ્થાન બહુ જ પુરાતન છે. એ સ્થાનમાં પ્રાચીન બહિંના પુત્ર દશ પ્રચેતાંઓએ ઉગ્ર તપ કર્યું હતું અને કોટેશ્વરની સ્થાપના રાવણના સમયમાં કરવામાં આવી હતી. કચ્છમાં શ્રી આશાપૂર્ણા–આશાપુરા–દેવીનું સ્થાન પણ અત્યંત પ્રાચીનકાલિક ગણાય છે. એ દેવીની કથા સ્કંદપુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણવાયલી છે. કેટલાક વિદ્વાનોનો એવો અભિપ્રાય છે કે, વિરાટ્ રાજાની રાજધાની કચ્છ દેશમાં જ હતી. ઇત્યાદિ પ્રમાણોથી એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે અત્યંત પુરાતન કાળમાં કચ્છ દેશમાં મનુષ્યવસતિ હતી અને રાજ્યો પણ હતાં. એના અધિક બળવાન્ પ્રમાણ તરીકે કચ્છ શબ્દ અનેક પુરાણ અને અન્ય ગ્રંથોમાં મળી આવે છે કે, જે એ જ દેશનો વાચક છે. કચ્છ દેશની ભૂમિ સર્વ દિશાએથી જળવડે ઘેરાયેલી હોવાથી જ એ દેશને કચ્છ નામ આપવામાં આવેલું હોવું જોઈએ એવું સાધારણ અનુમાન કરી શકાય છે. એ દેશ યાદવોના સમયમાં ભોજકટના નામથી ઓળખાતો હતો, એવો પણ કેટલાક ગ્રંથોમાં ઉલ્લેખ કરાયલો છે. એક સમયમાં એ દેશનું નામ અનુપમ દેશ ( કિંવા અનૂપદેશ ) પણ હતું. 'મીરાતે અહમ્મદી' નામક ઇતિહાસગ્રંથમાં એ દેશને સલીમાનગરના નામથી ઓળખાવેલો છે. વળી એક કાળમાં કચ્છ ભૂમિ સૌરાષ્ટ્ર દેશના નામથી પણ પ્રખ્યાત હતી. જેવી રીતે કાળના પ્રભાવથી સૃષ્ટિની સર્વ વસ્તુઓની સ્થિતિનું પરિવર્તન થઈ જાય છે, તેવી જ રીતે એ કચ્છ દેશની સ્થિતિમાં પણ સ્થિતિને અનુકૂલ થઈ પડે તેવાં અનેક વાર અનેક પરિવર્તનો થયાં છે, થાય છે અને હવે પછી પણ થતાં રહેવાનાં છે. એ નિસર્ગનો એ એક નિયમ જ છે અને એ સર્વવ્યાપક નિયમને ભાગ્યે જ કોઈ અપવાદ મળી શકશે.

કચ્છમાંના આશાપુરા દેવીના આસમન્તાત્ ભાગમાં કોઈ એક રાજ્ય બહુ પુરાતન સમયમાં પણ હોવું જોઇએ, એવી કલ્પના કરવા માટેનાં આપણને અનેક પ્રમાણો મળી આવે છે; કારણ કે, રામચન્દ્ર