પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
માહાત્માજીની વાતો.

વાત કહી. અંતે તે બોલ્યો, “દુનિયામાં પાપે પાપ ઠેલાતું નથી, ને વળી પાપ કેમ જાય એ વાત મારાથી સમજાતી નથી. મને આપ શીખવો.”

મહાત્માએ કહ્યું: “બેટા, તેં બીજું શું જોયું એ મને કહે.”

શિવદયાળે મેલાં લુગડાં વડે છબી સાફ કરનાર ઘરધણીની વાત કહી. લોઢાના પાટા વાળનાર મજુરો વિષે તેમજ ભરવાડો વિષે પણ બધી હકીકત કહી.

વાત સાંભળીને મહાત્મા ભોંયરામાં ગયા અને ત્યાં એક બુઠી કુહાડી લઈ આવ્યા. તે શિવદયાળને આપી બોલ્યા ચાલ મારી સાથે. ભોંયરાની બીજી બાજુએ એક ઝાડ બતાવી કહ્યું “આને કાપી નાખ.”

શિવદયાળે તેને કાપી નાંખ્યું. ઝાડ પડી ગયું “હવે તેના ત્રણ કટકા કર.” મહાત્માએ વધુ આજ્ઞા કરી.

શિવદયાળે હુકમ બજાવ્યો, ત્યારે મહાત્મા ભોંયરામાંથી થોડો દેવતા લાવ્યા અને તે વડે એ ત્રણે કટકા સળગાવી દેવાનું શિવદયાળને કહ્યું. તેણે દેવતા સળગાવ્યો અને ત્રણે કટકા બળીને ત્રણ ઠુઠાં રહ્યાં, મહાત્માએ એ ઠુંઠાંને જમીનમાં અડધાં ડાટવાનો હુકમ કર્યો. તે હુકમ શિવદયાળે પાળ્યો.

“હવે અહીં જો. આ પહાડની તળેટીમાં નદી વહે છે, તેમાંથી તારા મોંઢામાં પાણી ભરીને ઠુંઠાને પાણી પાજે. આ પહેલા ઠુંઠાને પાણી પાઇને પેલા ઘરધણીને શીખામણ દીધી તે યાદ કરજે, આ બીજાને પાણી પાતા પાટા વાળનાર મજુરોને આપેલી સલાહ યાદ કરજે, તથા ત્રીજાને પાણી પાતાં ભરવાડને આપેલી અક્કલ યાદ કરજે, એમ પાણી પાતાં પાતાં જ્યારે આ ત્રણે ઠુંઠામાંથી ઝાડ ઉગે, ત્યારે દુનિયામાંથી પા૫ કેમ ઘટે તે તું સમજી શકીશ અને ત્યારે તારાં પાપ સાફ થઈ જશે.”

આ પ્રમાણે હુકમ કરી મહાત્મા ઝુંપડામાં ચાલ્યા ગયા. શિવદયાળ મહાત્માની વાતોનો વિચાર કર્યાજ કરે પણ સુઝે નહિ તોપણ તેણે મહાત્માના હુકમને બરાબર અમલમાં મુકવા માંડ્યો.