પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જીવન દોરી

કિંવા

દેવદૂતની વાત.


પ્રકરણ ૧ લું.


એક શહેરમાં નથુ નામનો મોચી રહેતો હતો. જે ગરીબ સ્થિતિનો હતો. શહેરમાં એક ઘર ભાડે રાખી તે પોતાની સ્ત્રી તથા છોકરાંઓ સાથે રહતો હતો. પોતાના ધંધામાંથી જે કંઈ પેદાશ થતી તેમાંથી ભાગ્યેજ પોતાના કુટુંબનું તે પોષણ કરી શકતો. શહેરની અંદર મજૂરી અત્યંત સસ્તી હતી અને કામ ઘણુંજ થોડું મળતું હતું, વળી શહેરમાં મોંઘવારી પુષ્કળ હોવાથી પોતાના કુટુંબનું પોષણ કરવું એ મહા મુશીબતનું કામ હતું. પોતાને પોતાની સ્ત્રી અને છોકરાંઓને માટે ભાગ્યેજ પુરતાં કપડાં પહેરવાનાં પણ ખરીદી શકતો. જ્યાં ખાવાનાજ વાંધા પડે ત્યાં બીજી અગવડતાનું પુછવુંજ શું! પોતાની પાસે એક જુની બંડી લગભગ ત્રણ વરસની હતી, જે તદ્દન હવે ફાટી ગઇ હતી, અને બીજી નવી ખરીદવાના વિચારમાં તે હતો. કારણ કે શિયાળાની રૂતુ આવી પહોંચી હતી. શીયાળાની રૂતુ નજીક આવતી હોવાથી પોતાને માટે તથા પોતાની સ્ત્રી અને છોકરાં માટે કપડાં ખરીદવા વાસ્તે પૈસાનો સંગ્રહ અગાઉથી કરવાનો તેણે નિશ્ચય કીધેલો હતો, અને તે નિશ્ચય પ્રમાણે તે થોડા ઘણા પૈસા મહા મુશીબતે એકઠા કરી શક્યો હતો પરંતુ તે કપડાં લેવા માટે પુરતા તો ન જ હતા. શહેરની અંદર એક બે ઘરાકો પાસે તે પૈસા માગતો હતો, જેથી તેણે વિચાર કર્યો કે જો હું ઉઘરાણી લઇ શકું તો પુરતાં કપડાં ખરીદી શકાશ. આમ વિચાર કરી તે પોતાના ઘરાકોમાં ઉઘરાણી કરવા માટે નીકળ્યો, તેની સ્ત્રીએ