પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
જીવન દોરી

પ્રકરણ ૯ મું


તે સ્ત્રીએ પછી બન્ને છોકરાંઓની વાત કરવા માંડી. ૭ વરસ ઉપર આ છોકરાંઓ એકજ અઠવાડીઆમાં માબાપ વગરનાં થઇ ગયાં. એમના પીતાનો અગ્નિદાહ મંગળવારે થયો હતો, અને માનો શુક્રવારે થયો હતો. એમનો જન્મ એમના પીતાના ગુજરી ગયા પછી ત્રણ દિવસે થયો હતો અને મા એકજ દિવસ જીવતી રહી હતી તે વખતે હું મારા પતી સાથે એકજ ગામમાં રહેતી હતી કે જ્યાં આગળ આ છોકરાંનાં માબાપ રહેતાં હતાં. એમનું ઘર અમારા ઘરની નજીકમાંજ હતું. એમનો બાપ ગરીબ સ્થિતિનો હતો અને જંગલમાં લાકડાં કાપવાનું કામ કરતો હતો. એક દિવસે એક ઝાડ તે કાપતો હતો, અને એકાએક તે ઝાડ ઉપર પડ્યું અને તે છુંદાઈને મરી ગયો. જંગલમાંથી ઘેર આવતાં સુધી પણ તે જીવ્યો નહીં, જે અઠવાડીયામાં તે ગુજરી ગયો તેજ અઠવાડીયામાં તેની સ્ત્રીએ બે બચ્ચાને સાથે જન્મ આપ્યો. તે ગરીબ બીચારી સ્ત્રી કોઇના પણ આધાર સિવાયની થઈ ગઇ હતી. જે દિવસે છોકરાંને તેણે જન્મ આપ્યો તેજ દિવસે હું તેને જોવા ગઇ અને તેનું શરીર મને એકદમ થંડું લાગ્યું. તેણી મરવાની અણીપર હતી, કદાચ તેની પથારીમાં દુઃખને લીધે આમ તેમ પાસું બદલતી હશે તેમાં આ છોકરીનો કુમળો પગ છુંદાઇ ગયો હશે. પાડોશીઓ તરતજ ત્યાં આવ્યા અને શરીરને ધોયું અને મૃતક દેહને વાસ્તે બીજી સર્વ તૈયારીઓ તેમણે કરી અને સ્ત્રીને અગ્નિદાહ દીધો.

પડોશીઓ સર્વ ભલાં માણસ હતાં તેમણે હવે વિચાર્યું કે આ કોમળ બાળકોનું શું કરવું ? સર્વ લોકોએ એકઠા થઈ વિચાર્યુ કે છોકરા હાલ તરત તો મને સાંપવાં, કારણ કે મને એક નાનું છોકરૂં હતું એટલે હું દુધ આપી શકું. પછી શું કરવું તે સર્વ લોકોએ મળી વિચાર કરવાનું રાખ્યું. મેં બંને છોકરાંને દુધ આપ્યું અને