પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
માહાત્માજીની વાતો.

દારૂ પીવાનું પણ છોડી દીધું હતું. દેવદુતની બધી સ્થિતિ અને હકીકત સાંભળી નથુને પણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તે પોતાની સર્વ સ્થિતિમાં પ્રેમનો કાયદો અંતઃકરણપૂર્વક પાળવાનો નિશ્ચય કરી તે મુજબ વર્તવા લાગ્યો.


પ્રેમા પટેલની વાત.

કિંવા

માણસ કેટલી જમીનનો માલીક હોઇ શકે ?

પ્રકરણ ૧ લું.

એક ગામડીયા બહેનને તેની મોટી શહેરી બહેન એક દહાડો મળવાને આવી. મોટી બહેન એક શહેરી દુકાનદારને અને નાની બહેન એક ખેડુતને પરણી હતી. બન્ને બહેને એક દિવસ વાળુ કરતી કરતી વાતોએ ચડી. મોટી બહેન શહેરની જીંદગીની બડાઈ કરવા લાગી, પોતે કેવી સારી રીતે રહે છે, રહેવાને કેવું સારૂં મકાન છે, છોકરાંને અને પોતાને કેવાં મજાના કપડાં પહેરવાને મળે છે, કેવું કેવું ખાવાનું મળે છે, વરા, જમણવાર, નાટક, મેળા વગેરેમાં જતા કેવી મોજ પડે છે, એ બધું રસથી તેણે કહી સંભળાવ્યું.

નાની બહેનને આથી ચટકો લાગ્યો તે વેપારી જીંદગી વખોડવા લાગી અને ખેડુતની જીંદગીને વખાણવા લાગી. તેણી બોલી કે “હું તો આ જીંદગીને છોડીને તારી જીંદગી ભોગવવાનું પસંદ કરૂં નહિ, અમે ગરીબ ભલે રહ્યાં, પણ અમારે કાંઇ વ્યાધિ નથી, તમે વધારે ઠાઠથી રહેતાં હશો, પણ તેથી ઝાઝુ કમાવાની હાયવોય તમારે કરવી પડતી હશે અને ઝાઝુ કમાવા છતાં ઝાઝુ ખોઈ પણ બેસો.