પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
પ્રેમા પટેલની વાત.

પઇસો ભેળો થવા લાગ્યો. થોડો વખત તેને નિરાંત વળી પણ પછી જમીન ભાડે લેવાનો તેને કંટાળો ઉપજવા લાગ્યો.

જો કોઈ જમીન વેચતું તો બધાએ ત્યાં દોડી જતા, અને એકદમ ખરીદી લેતા. તેથી પટેલનો લાગ ફાવતો નહીં. આખરે તેણે એક વેપારી સાથે ભાગ રાખી એક વાડી ખરીદી, અને તેમાં વાવેતર કર્યું. પણ જ્યારે ભાગ પાડવાનો વખત આવ્યો ત્યારે કજીઓ થયો. પટેલે વિચાર્યું કે “આ જમીન મારા એકલાની હોય તો કેવું સારું ! મારે કોઇના ઓશિયાળા રહેવું ન પડે.” આથી તે જમીન લેવાની તજવીજમાં રહેવા લાગ્યો.

એક દિવસ તેને ખબર મળ્યા કે કોઇ ખેડુત મુશ્કેલીમાં હોવાથી પોતાની ૧૫૦૦ એકર જેટલી જમીન બહુ સોંઘામાં વેચી નાંખે છે. તે એકદમ પેલા ખેડૂત પાસે ગયો અને કાંધા કરી જમીન લખાવી લીધી. પ્રેમા પટેલનાં મનનુ ધાર્યું થયું, અને તેને ટાઢક વળી.

એવામાં કોઇ એક વેપારી મુસાફર તે ગામમાં આવી ચડ્યો, તે પ્રેમા પટેલને ત્યાંજ ઉતર્યો. પરોણાને જમાડી કરી તેનો થાક ઉતાર્યો એટલે બંને વાતો કરવા બેઠા. પટેલે પુછ્યું “તમે કયાંથી આવો છો ?” તે વેપારીએ કહ્યું કે હું એક એવી જગ્યાએથી આવું છું કે જ્યાંના લોકો તદ્દન ભોળા અને ભલા છે. ત્યાં જમીન પાણીને મોલે વેચાય છે. મેં હજુ હમણાં જ એક હજાર રૂપિયામાં પાંચ હજાર એકર જેટલી જમીન લીધી.”

આ સાંભળી પટેલનું મન પાણી પાણી થઇ ગયું. તેણે પૂછ્યું કે ‘તમે તે જમીન શી રીતે ખરીદી ?’ વેપારીએ જવાબ આપ્યો: પહેલાં તો મુખીને વીસ પચીસ રૂપિઆની કીંમતનાં કપડાં વગેરે સાથે લઈ ગયો હતો તેનું નજરાણું આપ્યું. આથી તે ખુશ ખુશ થઇ ગયો. પછી જમીન માગી તે મોંઢે માગ્યે ભાવે આપી. મારી જમીન નદીના કાંઠા ઉપર જ છે તેથી બહુ જ સારો પાક મને મળશે,” એટલું કહી તેણે ત્યાંના લોકો વિષે વાત કરવા માંડી.