પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
પ્રેમા પટેલની વાત.

હતો તે બધાના કહેવાથી આગળ આવ્યો, આ શખ્સને દુભાષીયો નીમવામાં આવ્યો અને તેની મારફત પટેલ તથા ત્યાંના લોકો અરસપરસ વાતો કરવા લાગ્યા.

દુભાષીયો લોકો વતી પટેલને કહેવા લાગ્યો કે: “અમે બહુ ખુશી થયા છીએ; અને તમારે શું જોઈએ છે તે અમને કહો જેથી અમે તમારે માટે બનતું કરીએ.”

પટેલે કહ્યુ: “મારે અહીં સરસમાં સરસ જમીન જોઇએ છે. અમારા દેશમાં બહુ થોડી જમીન છે, અને છે તેમાં બહુ મહેનત કરવી પડે છે.

દુભાષીયાએ આ વાત લોકોને કહી સંભળાવી, એ સાંભળી આ જંગલી લોકો ખુબ બરાડા પાડવા મંડી પડ્યા. પ્રેમા પટેલનાં તા હાજાંજ ગગડી ગયાં. તે એમજ સમજ્યો કે આ લોકો તેના ઉપર ગુસ્સે થઇ ગયા છે. પણ તેટલામાં તેઓને પાછા હસતા જોયા એટલે પટેલના પેટમાં જીવ આવ્યો. થોડી વારમાં તેઓ શાંત થયા એટલે પેલા માણસે કહ્યું કે: “આ લોકો બહુજ ખુશી થયા છે અને કહે છે કે તમારે જોઈએ તેટલી જમીન તમે લેજો, તમે ફક્ત અમને હાથેથી બતાવો કે કઇ જમીન તમારે જોઇએ છે.”

થોડીવારમાં પાછા તેઓ અંદર અંદરવઢવા લાગ્યા. પટેલે પુછ્યું તો તેને માલુંમ પડ્યુ કે કેટલાક મુખીને પુછ્યા વિના જમીન ન અપાય એમ કહેતા હતા. અને કેટલાક પુછવાની કાંઇ જરૂર નથી એમ કહેતા હતા.


પ્રકરણ ૬ ઠું.


આમ વાતો ચાલતી હતી ત્યાં ક્યાંઇક સારા દેખાવનો એક માણસ છેટેથી આવતો દેખાયો તેને જોઈ બધા ચુપ થઇ ગયા. પેલા દુભાષીયાએ પટેલને જણાવ્યું કે તે ત્યાંનો મુખી છે.