પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.


પ્રકરણ ૭ મું.


સમશેર બહાદુરે આ બધી હકીકત વિષે બીજે દહાડે સાંભળ્યું અને મુરખરાજની પાસે બીજી સવારે ગયો. તેણે પુછ્યું “તને સીપાઇઓ ક્યાંથી મળ્યા અને તું ક્યાં લઇ ગયો એ મને કહે.” મુરખરાજ બોલ્યો: “તેની તારે શી પરવા?” સમશેર બોલ્યો: “મારે શી પરવા? સીપાઇઓ આપણી પાસે હોય તો આપણે ગમે તે કરી શકીએ આપણે રાજ્ય સુદ્ધાં મેળવી શકીએ.”

મુરખરાજને આશ્ચર્ય લાગ્યું, અને બોલ્યો: “જો એમજ છે તો મને તેં અગાડી કેમ ન કહ્યું ! તું કહે એટલા સીપાઈ હું બનાવી શકું એમ છે. ઠીક થયું કે બ્હેને અને મેં મળીને ડુંડાં ઠીક એકઠાં કર્યા છે,” પછી મુરખો તેના ભાઇને કોઠાર પાસે લઇ ગયો, અને બોલ્યો “જો હું સીપાઇ તો બનાવું છું પણ તારે તેને તરતજ લઈ જવા પડશે, કારણ કે જો તેઓને ખવડાવવું પડે તો તેઓ એક દહાડામાં ગામના દાણા પુરા કરી નાંખે.”

સમશેરે સીપાઇઓને લઇ જવાનું વચન આપ્યું. મુરખે સીપાઇ બનાવવાનું શરૂ કર્યું. ભોંય ઉપર તેણે ડુંડાંની એક ભારી પછાડી અને એક પલટણ તૈયાર થઇ. બીજી ભારી પછાડી અને બીજી પલટણ ઉભી થઇ. આમ કરતાં આખું ખેતર ભરાઇ રહ્યું. પછી મુરખે પુછ્યું: “હવે તો બસ થયું કે નહી ?”

સમશેર ગાંડોતુર થઇ બોલી ઉઠ્યો “હવે બસ, ભાઈ તારો હું પાડ માનુ છુ.” મુરખે જવાબ વાળ્યો “ઠીક, તને વધારે જોઈએ તો મારી પાસે આવજે અને હું વધારે બનાવી આપીશ. આ મોસમનો પાક સારો ઉતર્યો છે એટલે ડુંડાં પુષ્કળ છે.

સમશેર આ પલટણોનો સેનાપતિ બન્યો, અને લડાઇ કરવા ચાલ્યો. તેટલામાં ધન્વંતરી આવ્યો. તેણે પણ ગયા દહાડાની વાત સાંભળી હતી અને હરખાતો હરખાતો તેના ભાઇને પુછવા લાગ્યો.