પૃષ્ઠ:Meghsandesh.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મેઘસન્દેશ

પુના જાવું અહીં થકી તને જેલ નામે યરોડા,
જ્યાંનાં કારાગૃહ મહીં વસે વિશ્વના પૂજ્ય ગાંધી;
બંદુકાદિ ધરી કર મહીં શસ્ત્ર તેની બહાર,
સંત્રીઓ ત્યાં નિશદિન કરે ચોકીનું કાર્ય મેધ ?

૧૦

જોશે ત્યાં તું સકલજગના સંત ગાંધી મહાત્મા,
જેના ગુણો અવનિભરના ગાય છે માનવીઓ;
જે છે આત્મા ભરતભૂમિના શ્રેષ્ઠ ચારિત્ર્યવાન,
જોતાં કાળું શરીર તુજ આ અંતરે શુદ્ધ થાશે.

૧૧

ઘેરાયેલો નીરખી તુજને ભવ્ય આકાશ મધ્યે,
ખેડુતોના સમૂહ મનમાં પામશે કાઈ હર્ષ;
જે લોકેાનું હિત કરી રહ્યો જે થકી લોક જીવે,
તેને જોતાં નહિ ઉપજતો ચિત્તમાં હર્ષ કોને?