પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૩૩
 


“આ લિયો.” કહીને રા’ દેશળે પોતાના શરીર પરથી સાચી જરીભરેલ શાલ ઉઠાવીને જોગીના શરીર પર ઓઢાડી દીધી.

જોગીએ હળવા હાથે શાલ ખેંચી લઈને સામે સળગતા ધૂણામાં ધરી દીધી.

"કેમ કેમ?” રા'ને નવાઈ થઈ.

જોગીએ કહ્યું : “રા' દેશળ, જેમ તારો એ મહામૂલો પટાળો તેમ મારો આ ધૂણો ! એ છે મારો પટારો : આવી મહામૂલી પાંભરીને હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું, કોઈ ચોર ચોરી ન શકે, કોઈ દી પાંભરી જૂની ન થાય, કે ફાટી ન જાય.”

"પણ મેં તો પટોળો ઉમંગથી આપ્યો'તો.”

“સાચું સાચું, બાપ રા' દેશળ. પણ —

કીં ડનો કીં કિંધા,
હિન પટન મથે પેર;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેંજા વેણ.

"આ જગતમાં શું દીધું, ને શું દેશું આપણે? ઓ માનવી ! મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોનાં વેણ રહી જાશે. બીજું તમામ ખાક બની જશે.”

"ડાડા, કાંઈક માગો. તમે કહો તો રાજમાંથી કોરિચું મોકલું.” મેકરણે જવાબ વાળ્યો :

કોરિયું કોરિયું કુરો કર્યો
કોરિયેં મેં આય કૂડ;
મરી વેંધા માડુઆ !
મોંમેં પેધી ધૂડ.

"કોરિયું કોરિયું શું કરો છો ભાઈ, કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ જ પડવાની છે.