પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસલ જગનો ચોરટો
૧૫૯
 

બુકાનીદાર જેસલે બુકાની છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વળ ચડાવી અણીએ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ ગહેકે છે : 'લઈ આવ્યો છું. મેં માગી તે ત્રણે ચીજો ભગતડાએ શું મને ભલાઈએ કાઢી દીધી છે? ના, ના, જેસલ જાડેજાના તાપને નમ્યો છે ભગતડો. પણ આ સ્ત્રી ! આ કાઠિયાણી શી કરામત કરી રહી છે ? એના મોં સામે મીટ માંડતાં હું કેમ ખચકાઈ રહ્યો છું ? એના પેટની કાંઈ ખબર નથી પડતી.”

દરિયાના પેટની પણ કોઈને ગતાગમ નથી. ખાડીનાં પાણી એકાએક ઊકળી કેમ રહ્યાં છે ? આ વાવડો ક્યાંથી ઊપડયો ? મોજાં ફેણ પછાડીને કેમ ફૂંફાડવા લાગ્યાં ? ખલાસીઓની દોટાદોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ, કૂવાથંભની માથાધૂણ્ય, આ શું થવા બેઠું ?

ખાડીનો અધગાળો કપાયો હતો. સામો કિનારો ને પાછલો કિનારો, બેઉ દેખાતા બંધ પડયા. દિશાઓને માથે ધૂંધળાં વાદળાંના પડદા પડી ગયા. પવને શિકોટા દીધા. પંચમહાભૂત પાગલ બન્યાં. મોજાંની ઝાલકો વહાણના તૂતકને ધોાવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઊતરી ગયાં. જહાજનું આખું માળખું હમણાં જાણે હચમચી જશે.

“અરે ભાઈ નાખુદા ! આ શો મામલો છે ?”

“ભાઈઓ, વહાણ ભેમાં છે. અલા ! અલા ! હે અલા !”

ખલાસીઓ 'અલા' પુકારે ત્યારે મોત સામે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ ઊંચા ચડયા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ દરિયામાં વામવા (ફગાવવા) લાગ્યા. “ઉતારુઓ ! ભાઈઓ ! તમારા પણ માલથાલ દઈ દ્યો દરિયાલાલને ! વહાણ હળવું કરો.”

કડડડ ! કડેડાટી બોલી. તાવલેલ માનવી પથારીમાં